Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

શાળા પ્રવેશોત્સવને મળી જોરદાર સફળતા

વીઆઇપીઓ ગેરહાજર રહેતા : પહેલીવાર પ્રાથમિક સ્કુલોમાં ૧૦૦ ટકા સફળતા

અમદાવાદ, તા.૨૪: છેલ્લા ૧૬ વર્ષોથી ગુજરાત સરકાર સરકારી શાળાઓમાં પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓને દાખલ કરવા માટે શાળા પ્રવેશોત્સવ યોજે છે, પરંતુ પહેલીવાર ગુજરાત સરકાર માટે આ ખાસ શૈક્ષણિક ડ્રાઇવને લઈને એવા સમચાર આવ્યા છે કે સરકાર ગેલમાં છે. આટલા વર્ષે પહેલીવાર પ્રાથમિક સ્કૂલોમાં ૧૦૦% ભરતી નોંધાઈ છે.

જોકે બીજી એક મોટીવાત એ પણ છે કે આ વખતે દરવર્ષની જેમ પ્રવેશોત્સવ માટે આ વખતે ઉચ્ચ અધિકારીઓ, નેતાઓ હાજર રહી શકયા નહોતા. વાયુ વાવાઝોડાના કારણે રાજય સરકારની તમામ મશીનરી તેના ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે તૈયારી કરી રહી હતી. જેથી પ્રવેશોત્સવના ગ્રાઉન્ડ લેવલ કેમ્પેઇનમાં ફકત રાજય સરકારના શિક્ષકોએ જ ભાગ લીધો હતો.

રાજયના એજયુકેશન સેક્રેટરી વિનોદ રાવે કહ્યું કે, 'સમગ્ર દેશમાં ગુજરાત કદાચ પહેલું એવું રાજય છે જેણે આ સિદ્ઘિ મેળવી છે.' શાળા પ્રવેશોત્સવની શરુઆત પીએમ મોદીએ વર્ષ ૨૦૦૩માં જયારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરી હતી. જે બાદ દર વર્ષે યોજાતા આ શૈક્ષણિક મેળાવડામાં સરકાર પોતાની બધી જ મશીનરી કામ લગાડતી રહી છે. જોકે કયારેય ૧૦૦% નો આંકડો મળ્યો નથી. ગત વર્ષે પણ ૯૪% વિદ્યાર્થીઓએ પ્રાથમિક સ્કૂલમાં એડમિશન લીધું હતું.

આંકડાકીય ફીગર મેળવવા માટે રાજય સરકાર રાજયનો જન્મદર અને નવજાતનો મોર્ટાલિટી રેશિયો ધ્યાને રાખી અને પાંચ વર્ષે બાળક સ્કૂલમાં બેસાડવામાં આવે છે તેના આધારે સરકાર એક ચોક્કસ અંદાજીત આંકડો તૈયાર કરે છે. જેના આધારે કેટલા એડમિશન થયા અને તેની ટકાવારી કાઢવામાં આવે છે. આ વર્ષે કુલ ૧૨.૦૯ લાખ વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં દાખલ થયા છે. જેમાં ૪.૬ લાખ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં, ૯૪,૨૦૨ વિદ્યાર્થીઓ RTE સ્કૂલમાં અને ૬.૫૭ લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ લીધો છે.

(11:48 am IST)