Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ગુજરાતના 'ચેરાપૂંજી' કહેવાતા ઉમરપાડામાં ૧૪૭ ઇંચ વરસાદઃ માંગરોળમાં ૧૧૦.૮ ઇંચ

દક્ષિણ ગુજરાતમાં વરસ્યા માંગ્યા મેઘ

મુંબઇ, તા.૨૪: ભારતમાં સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં પડે છે, પરંતુ આ વખતે ગુજરાતના ચેરાપુંજી કહેવાતા તાલુકાએ પોતાનો જ ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષે રાજયમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજયનો સરેરાશ વરસાદ ૧૨૫ ટકાને પણ આંબી ગયો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં તો જાણે બારે મેદ્ય ખાંગા થયા છે. અત્યારસુધીના આંકડા અનુસાર, આ વખતે સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧૪૭ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ચૂકયો છે.

ઉમરપાડા બાદ બીજા નંબરે માંગરોળ તાલુકો આવે છે, જયાં આ સીઝનનો અત્યારસુધી ૧૧૦.૮ ઈંચ વરસાદ પડી ચૂકયો છે. આટલો વરસાદ ઓછો હોય તેમ હજુય ગુજરાત પર એક સિસ્ટમ એકિટવ છે, જેના કારણે ઓકટોબર મહિનાના પહેલા અઠવાડિયા સુધી રાજયમાં વરસાદના સંજોગો છે.

છેલ્લા ૧૦ વર્ષના આંકડા પર નજર કરીએ તો, ઉમરપાડામાં છેલ્લે ૨૦૧૩માં ત્રણ ડિજિટમાં એટલે કે, ૧૩૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ આ વર્ષે ૧૪૭ ઈંચ જેટલો ધોધમાર વરસાદ તાલુકામાં નોંધાઈ ચૂકયો છે. સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા એમ બંને તાલુકામાં ગીચ જંગલો પણ આવેલા છે. જોકે, ગયા વર્ષે અહીં ગત ૧૦ વર્ષનો સૌથી ઓછો ૫૯.૩૬ ઈંચ વરસાદ થયો હતો. ઓછા વરસાદને કારણે ગુજરાતના ચેરાપુંજી કહેવાતા આ તાલુકામાં ઉનાળામાં પાણીની અછત પણ ઉભી થઈ હતી.

આગામી દિવસોમાં હજુ વધુ વરસાદ પડે તો ઉમરપાડાનો આંકડો ૧૫૦ ઈંચને પણ વટાવી જાય તોય નવાઈ નહી.

(10:04 am IST)