Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

વાઇબ્રન્ટ સમિટ : ગુજરાતનું પ્રતિનિધિ મંડળ અમેરિકામાં

મહેસાણામાં પાયલોટો માટે ફ્લાઇટ સ્કુલ બનશેઃ હવે ગુજરાત સ્થિત બ્લુ રે એવિએશન અને પેસિફિક સ્ટેટ એવિએશન વચ્ચે વિશેષ પ્રકારના એમઓયુ પર હસ્તાક્ષર

અમદાવાદ,તા.૨૪ : રાજ્ય સરકારના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલની આગેવાની હેઠળ ગુજરાતનું વાયબ્રન્ટ ગુજરાત પ્રતિનિધિમંડળ અમેરિકાના પ્રવાસે છે. આ પ્રતિનિધિ મંડળે કોનકોર્ડ, કેલિફોર્નિયા ખાતે પેસિફિક સ્ટેટ એવિએશન (પીએસએ) ઇન્કના વર્લ્ડ-ક્લાસ ફ્લાઇટ પ્રશિક્ષણ સ્થાનની મુલાકાત લઇ મહેસાણા ખાતે ભારતના ભાવિ પાયલોટોને ઉડ્ડયન તાલીમ માટે ફ્લાઇટ સ્કૂલ અને તાલીમ કેન્દ્રની સ્થાપના કરાવા માટે એમ.ઓ.યુ. કર્યા હતા. રે એવિએશનના ગૌરાંગ શાહે  કંપનીના માલિક વતી તથા પીએસએ વતી રશીદ યાહ્યાએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ વાયબ્રન્ટ ગુજરાતના પ્રતિનિધિ મંડળે પેસિફિક સ્ટેટ એવિયેશન ઇન્ક અને બ્લુ રે એવિએશન ઓફ ઇન્ડિયા દ્વારા  ગુજરાતના મહેસાણા ખાતે ભાવિ ભારતીય પાયલોટને ઉડ્ડયન તાલીમ આપવા માટે અને કોનકોર્ડ, યુએસએમાં તેમની હાલની એકેડમી માટે સંયુક્ત ઉપક્રમે કંપની રચવા એમઓયુ સાઈન કર્યા હતા. આ કંપની એરક્રાફ્ટ એન્જિનિયરો અને ગ્રાઉન્ડ સ્ટાફને પણ તાલીમ આપશે. પીએસએ દ્વારા, બ્લુ રે એવિએશન ડીજીસીએ ધોરણોને પ્રશિક્ષણ આપશે અને ફ્લાઇટ પ્રશિક્ષણની યુ.એસ. પદ્ધતિનો સમાવેશ કરશે. આ માટે કંપની આવશ્યક તકનીક, અભ્યાસક્રમ અને અન્ય તમામ ઇનપુટ આપશે. સાથે સાથે બ્લુ રેને સિમ્યુલેટર માટે પણ ઓફર કરશે. જેમાં મેઇન્ટેનન્સ અને ઓપરેશન્સ (એમઆરઓ) એકમ પણ ચલાવશે અને ચાર્ટર પર એરક્રાફ્ટ પણ ઓફર કરશે. આ ઔપચારિક કરાર ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધી કરવામાં આવશે. અમેરિકામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રતિનિધિમંડળના  અરવિંદ અગ્રવાલએ આ બે કંપનીઓ વચ્ચેના એમઓયુને આવકારીને જણાવ્યું હતું કે, આ ભાગીદારી ગુજરાત અને ભારતના સામાન્ય ઉડ્ડયન ક્ષેત્રમાં નવા દ્વાર ખોલશે અને ગુજરાત ઉડ્ડયન ક્ષેત્રે નવા શિખરો સર કરી આ ક્ષેત્રે પણ રોજગારીનું સર્જન કરશે. રશીદ યાહ્યાએ એમઓયુ કર્યા બાદ જણાવ્યું હતું કે, બ્લુ રે એવીશન સાથે સહયોગમાં પ્રવેશવાનો ઉદ્દેશ ભારતમાં અત્યાધુનિક ઉડ્ડયન તાલીમ સંસ્થા વિકસાવવા માટે છે. કોનકોર્ડમાં વર્લ્ડ-ક્લાસ પીએસએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિમવામાં આવેલ એરક્રાફ્ટ ઇજનેરોને ઉચ્ચ ગુણવત્તાની તાલીમ આપવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યાર સુધી ભારત સરકારનું ધ્યાન ફક્ત નાગરિક ઉડ્ડયન પર કેન્દ્રિત હતું. જો કે, યુએસએમાં સામાન્ય ઉડ્ડયન ૧૫૦ અબજ ડોલરની આર્થિક પ્રવૃત્તિ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં નોંધાયેલા ૨,૨૦,૦૦૦ નાગરિક એરક્રાફ્ટમાંથી ૯૦% થી વધુ સામાન્ય ઉડ્ડયન વિમાન છે. ૬,૦૦,૦૦૦ પાઈલટો પૈકી, ૫,૦૦,૦૦૦ પાઈલટો સામાન્ય ઉડ્ડયન વિમાન ઉડાવે છે. આ ભારતમાં સામાન્ય ઉડ્ડયનની સંભવિતતા દર્શાવે છે. મહેસાણા ખાતે આ તાલીમ કેન્દ્ર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ સુધી શરૂ થશે. બ્લ્યુ રે એવિએશન દ્વારા ૨૦૧૯ના મધ્ય સુધીમાં મહેસાણા સુવિધામાં માટે રૂ. ૨૫ કરોડ અને આગામી પાંચ વર્ષમાં ૧૦૦ કરોડનું રોકાણ કરવાનો પ્રસ્તાવ છે. આ એન્ટરપ્રાઇઝ આગામી પાંચ વર્ષમાં આશરે ૧૦૦૦ જેટલી રોજગારીની તકોનું નિર્માણ થશે. તે પૈકી પ્રથમ બે વર્ષમાં ૩૦૦ જેટલી તકો ઉપલબ્ધ થશે. બ્લુ રેએવિએશન પ્રા. લિ.એ ડીજીસીએ દ્વારા માન્ય ઉડ્ડયનની તાલીમ આપતી સંસ્થા છે, જે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં ઓપરેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે અને હવે ગુજરાતના મહેસાણા ખાતે તેનું વિસ્તરણ થશે. રાજ્ય સરકારના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલના નેતૃત્વ હેઠળનું આ પ્રતિનિધિમંડળ તા.૨૩ સપ્ટેમ્બરથી યુએસની બે સપ્તાહની મુલાકાતે છે. પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ સંગઠનના પ્રતિનિધિઓ સાથે રાજ્યના વ્યવસાયિક આગેવાનોનો ભાગ લઇ રહ્યા છે. ગ્લોબલ બિઝનેસ સમિટની આ ૯મી આવૃત્તિ જાન્યુઆરી ૧૮ થી ૨૦,૨૧૦૯ ત્રણ દિવસ યોજાશે.

(9:46 pm IST)