Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળાનું કાલે સમાપન થશે

કાલે છેલ્લા દિવસે પણ દર્શન માટે પડાપડી રહેશે : અંબાજીની તરફ દોરી જતાં રસ્તા ઉપર ભક્તોનું ઘોડાપુર અકબંધ : હજુ સુધી ૧૯ લાખથી વધુ શ્રદ્ધાળુઓના દર્શન

પાલનપુર, તા. ૨૪ : યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની આવતીકાલે ૨૫મી સપ્ટેમ્બરના દિવસે પૂર્ણાહૂતિ થઇ રહી છે. આજે અંબાજી મેળાના છઠ્ઠા દિવસે પણ શ્રદ્ધાળુઓનો જોરદાર ધસારો જારી રહ્યો હતો. પાંચ દિવસના ગાળામાં જ અંબાજીમાં ૧૯ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા હતા. આજે આ સંખ્યામાં વધુ વધારો થયો હતો. આવતીકાલે પણ આંકડો વધુ ઉપર પહોંચશે. ધારણા પ્રમાણે જ આ આંકડો રેકોર્ડ સંખ્યામાં પહોંચે તેમ માનવામાં આવે છે. પાંચ દિવસ સુધી અંબાજીના ભાદરવી પૂનમ મેળામાં દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા ૧૯૬૬૫૩૪ નોંધાઈ ચુકી હતી. ગઇકાલે પાંચમાં દિવસે ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શન કર્યા હતા. મંદિર તરફ દોરી જતાં રસ્તાઓ ઉપર ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. આવતીકાલે ભારદવી મેળાનું સમાપન થનાર છે. મંદિરમાં દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગેલી છે. અભૂતપૂર્વ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આજે પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. માતાજીના દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગી હતી. કલાકો સુધી લોકો લાઈનમાં ઉભા રહ્યા હતા. બીજી બાજુ પગપાળા સંઘ પણ અભૂતપૂર્વ સંખ્યામાં રસ્તાઓમાં પહોંચી રહ્યા છે. અંબાજી દેવસ્થાન દ્વારા પણ રસ્તાઓ ઉપર યાત્રીઓ માટે ઘણા સ્થળોએ પાકા સેડ બનાવવામાં આવ્યા છે. મેળા પ્રસંગે ટ્રસ્ટ દ્વારા ૮૧ જગ્યાએ હંગામી વોટરપ્રુફ વિશાળ શેડ બનાવવામાં આવ્યા છે. અંબાજી મંદિરમાં લાઈન ઉભા રહેલા દર્શનાર્થીઓને સ્વયંસેવકો દ્વારા જળ સેવા આપવામાં આવી રહી છે. યાત્રીકો માટે રેલિંગ અલગ વ્યવસ્થા છે. દર્શન કરીને બહાર આવતા દર્શનાર્થીઓના ચહેરા પર આનંદ સંતોષની લાગણી જોવા મળી રહી છે. જુદી જુદી જગ્યાઓ ઉપર જુદા જુદા સંગઠનોના સ્વૈચ્છિક લોકો સેવા માટે સક્રિય થયા છે. શ્રદ્ધાળુઓની સેવા માટે ચા-કોફી, નાસ્તા અને ભોજન માટે શિબિર લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાંથી જ નહીં બલ્કે દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે. પદયાત્રીઓ માતાના દર્શન કરવા માટે ઉત્સાહિત છે. યાત્રીઓની સુવિધાને ધ્યાનનમાં લઇને એસટી વિભાગ તરફથી બસો દોડાવવામાં આવી રહી છે. દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદિપ સાગલેની સૂચના અને માર્ગદર્શન મુજબ મેળામાં યાત્રિઓને સરળતાથી તમામ સુવિધા મળી રહી છે. અંબાજી મંદિર પરિસર અને સમગ્ર અંબાજીને જિલ્લા વહીવટીતંત્ર અને ટ્રસ્ટ દ્વારા રોશની અને લાઈટીંગની સુંદર વ્યવસ્થાના લીધે ભવ્યતા અને સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે.

આવતીકાલે ૨૫મી સપ્ટેમ્બરના દિવસે ભાદરવી પુનમ મેળાનો અંતિમ દિવસ રહેશે. ૩૦ લાખથી વધુ શ્રદ્ધાળુ સાત દિવસના ગાળા દરમિયાન પહોંચે છે અને આવખતે પણ આંકડો નજીક પહોંચે તેમ માનવામાં આવે છે. આજે છઠ્ઠા દિવસે પહોંચેલા શ્રદ્ધાળુઓનો આંકડો મોડે સુધી જાણી શકાયો ન હતો. રસ્તાઓ ઉપર જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે. માઈભક્તો દ્વારા રસ્તાઓ ઉપર ઠેર ઠેર ચા-પાણી, નાસ્તા, વિસામો, જમવાની વ્યાપક સુવિધા ગોઠવામાં આવી છે. અંબાજી મેળા ઉપર કલેક્ટર સંદીપ સાગલેની સીધી નજર રહેલી છે. મેળાને સફળ બનાવવા તમામ તૈયારીઓ કરાઈ છે. શક્તિપીઠ આરાસુરીમાં મા અંબેનું અંબાજી ગણાય છે.

(8:07 pm IST)