Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ત્રણ મહિનાથી પેન્ડિંગ કેસોની તપાસ ઝડપી પૂર્ણ કરવા હુકમ

રાજયના પોલીસ મહાનિર્દેશકનો સ્પષ્ટ આદેશ : ત્રણ માસથી વધુ સમયના પેન્ડિંગ કેસની તપાસ તાત્કાલિક પૂર્ણ કરી ૩૧ ઓકટોબર સુધીમાં રિપોર્ટ કરવાનો આદેશ

અમદાવાદ, તા.૨૪ : રાજ્યના પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુનાની તપાસ પૂર્ણ કરી તપાસના પુરાવા સહિતના કેસના કાગળો અને સાક્ષી કોર્ટમાં રજૂ કરવાના હોય છે. જેના આધારે કોર્ટ કાર્યવાહી આગળ વધારી શકે છે. પોલીસ દ્વારા કેસની તપાસ ઝડપથી પૂરી કરી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો હોય છે, પરંતુ રાજ્યના અનેક પોલીસ સ્ટેશનોમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં વધારો થતો જાય છે. જેની ગંભીરતા ધ્યાને આવતાં રાજયના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ એક મહત્વનો આદેશ કરી ત્રણ મહિનાથી વધુ સમયથી પેન્ડીંગ કેસોની તપાસ તાત્કાલિક પૂરી કરી તેનો સમગ્ર અહેવાલ તા.૩૧મી ઓકટોબર સુધીમાં પોલીસ વડાની કચેરીમાં મોકલી આપવા ફરમાન કર્યું છે. રાજયના વિવિધ પોલીસ મથકોમાં નોંધાતી અલગ-અલગ ફરિયાદોના કેસની તપાસમાં વિલંબ થવાથી ફરિયાદીને પોલીસ વિભાગ પ્રત્યે અસંતોષની લાગણી ઊભી થતી હોવાનું અને ન્યાયપ્રણાલીમાં અવિશ્વાસ ઊભો થતો હોવાનું રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાના ધ્યાન પર આવ્યું હતું. તેમણે આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઇ  રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ત્રણ માસથી વધુ સમયના પેન્ડિંગ કેસની તપાસ તાત્કાલીક પૂર્ણ કરી તા.૩૧ ઓકટોબર સુધીમાં પોલીસવડાની કચેરીમાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. પોલીસવડા શિવાનંદ ઝાએ પરિપત્ર બહાર પાડી જણાવ્યું છે કે પેન્ડિંગ કેસની સંખ્યામાં વધારો થયો છે કેસની તપાસ ઝડપથી પૂર્ણ થતી નથી, જેથી ૩ માસથી વધુ સમયના પેન્ડિંગ કેસોની સમીક્ષા કરવી અને તમામ પેન્ડિંગ કેસોની કાર્યવાહી કરી કેસવાઇઝ અહેવાલ રાજ્ય પોલીસવડાની કચેરીમાં તા.૩૧ ઓકટોબર સુધીમાં મોકલી આપવી. જો છ માસથી વધુ સમય માટે કેસ પેન્ડિંગ હોય તો તેવા કેસમાં તપાસનીશ અધિકારીની નિષ્કાળજી હતી કે કેમ તેની તપાસ કરી પગલાં ભરવા પણ આદેશ અપાયો છે. રાજય પોલીસ વડાના આ મહત્વના આદેશને પગલે સમગ્ર પોલીસ  તંત્ર દોડતું થઇ ગયું છે, જે કેસની તપાસ અભરાઇએ ચઢાવી દેવાઇ હતી અથવા તો, જે કેસની તપાસમાં જાણીબુઝીને ઢીલ દાખવાતી હતી તેવા તમામ કેસોમાં હવે પોલીસ અધિકારીઓને તાત્કાલિક તપાસ કરવાની ફરજ પડશે અને તેનો વિગતવાર અહેવાલ પોલીસ વડાની કચેરીમાં મોકલવો પડશે. રાજય પોલીસવડાના આ પરિપત્રને લઇ રાજય પોલીસ તંત્રમાં એક રીતે ફફડાટની લાગણી પણ જોવા મળી રહી છે.

(8:06 pm IST)