Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

પીડિતને ધમકી આપનાર બે યુવક એનએસયુઆઇના છે

રેગીંગના કેસમાં વિદ્યાર્થી સંગઠનનું નામ ખુલ્યું : રેગિંગ કેસમાં અત્યારસુધીમાં ચાર આરોપીઓની ધરપકડ સંગઠનના યુવકો સામેલ હશે તો પગલાઓ લેવાની ખાતરી

અમદાવાદ,તા. ૨૪ : નવરંગપુરાની એચએલ કોમર્સ કોલેજમાં એફવાયના વિદ્યાર્થી સાથે થયેલા રેગિંગના મામલે નવરંગપુરા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. બીજી તરફ પીડિત વિદ્યાર્થીએ સમાધાન કરવા ફોન પર ધમકી આપનાર બે યુવકો વિરુદ્ધ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિત વિદ્યાર્થીને ધમકી આપનાર નારણ ભરવાડ અને આર્યન દેસાઇ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇના હોદ્દેદાર હોવાનું સામે આવતાં શિક્ષણજગતમાં પણ ભારે ચકચાર મચી ગઇ છે. બીજીબાજુ, એનએસયુઆઇએ જો તેમના સંગઠનના હોદ્દેદાર જવાબદાર હશે તો પગલા લેવાની હૈયાધારણ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, શહેરની એચએલ કોલેજમાં એફવાય બીકોમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રેગિંગના મામલે ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં નવરંગપુરા પોલીસમાં ત્રણ વિદ્યાર્થી સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યા બાદ નારણ ભરવાડ અને આર્યન દેસાઇ નામના યુવકે ફોન કરી પીડિત વિદ્યાર્થીને સમાધાન કરી લેવા ધમકીઓ આપી હતી. ધમકી આપનાર નારણ ભરવાડ જીએલએસ કોલેજમાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇનો પ્રમુખ છે અને આર્યન દેસાઇ મહામંત્રી હોવાનું બહાર આવ્યું છે. ખુદ વિદ્યાર્થી સંગઠનના હોદ્દેદારો દ્વારા જ રેગિંગ કરનાર વિદ્યાર્થીનો પક્ષ લઇ ધમકી આપવામાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થી સંગઠન પર પણ અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ મહિપાલ ગઢવીએ જણાવ્યું હતું કે, રેગિંગમાં જો કોઇ સંગઠન સામેલ હશે તો તેની સામે ચોક્કસ પગલાં ભરવામાં આવશે. રેગિંગ કરનાર સામે પગલાં લેવા આગામી સમયમાં કોલેજમાં રજૂઆત કરાશે તેમ પણ જણાવ્યું હતું.

(7:27 pm IST)