Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

આતંકવાદને બ્રેકઃ લોકસભાની ચૂંટણી બંદોબસ્તની રણનીતિઃ ડીજીપી કોન્ફરન્સમાં મુખ્ય મુદ્દા બનશેઃ શિવાનંદ ઝાને સુકાન

'સ્ટેચ્યુ ઓફ યુનિટી' વિશ્વના સૌથી મોટા પ્રોજેકટ અંગે દેશભરના આઈપીએસ તથા તેમના પરિવારને માહિતગાર કરવાનો પીએમનો હેતુ : દેશભરમાંથી ગુજરાત (નર્મદા કેવડીયા કોલોની) આવનારા ડીજીપીઓની વ્યવસ્થા માટે વિવિધ કમિટીઓઃ વાહનોની સુવિધા

રાજકોટ, તા. ૨૪ :. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ દેશના વિવિધ વિસ્તારો અને ખાસ કરીને સરહદી અને દરીયાઈ વિસ્તારોમાં આતંકવાદ, સાયબર ક્રાઈમ સહિતના પડકારો સામે રણનીતિ ઘડવા યોજાતી દેશભરના ડીજીપીઓની બેઠકમાં ફરી વખત ગુજરાત યજમાન બની રહ્યુ છે. આ માટે મહત્વની જવાબદારી રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને સુપ્રત થયાનું ટોચના સૂત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે, આ અગાઉ ડીજીપી કોન્ફરન્સ કચ્છના ઘોરડો ખાતે મળેલ નરેન્દ્રભાઈએ ઉચ્ચ આઈપીએસ અધિકારીઓના પરિવારને પણ ગુજરાત દર્શનની તક મળે અને ગુજરાતમાં થયેલા વિકાસના દર્શન કરાવી શકાય તે માટે તેમના પરિવારને પણ ડીજીપી કોન્ફરન્સમાં જે રીતે સામેલ થવા આમંત્રણ આપેલ તે પરંપરા ચાલુ વર્ષે પણ યથાવત રહે અને નર્મદા કેવડીયા કોલોની ખાતે બની રહેલ વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરવાનો લ્હાવો મળવા સાથે આસપાસના રમણીય વિસ્તારમાં મહાલવાની તક મળે તે બાબત નકારી શકાય નહિં. બીજી તરફ દેશભરના ઉચ્ચ કક્ષાના આઈપીએસ અને તેના પરિવારો ગુજરાતમાંથી સારી છાપ લઈ જાય અને તેમના પ્રદેશમાં ગુજરાતના ગુણગાન ગાઈ જેની સીધી અસર પણ ચૂંટણીમાં પડવાની રણનીતિ હોવાનું માનવામાં આવે છે.

સંભવતઃ નવેમ્બર અથવા ડીસેમ્બરમાં ગુજરાતમાં યોજાનારી ડીજીપી કોન્ફરન્સમાં નર્મદા કેવડીયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્થળ નક્કી થયુ હોય મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જ કેવડીયા કોલોનીની મુલાકાત લઈ તેના પ્રોજેકટથી વાકેફ થઈ કામ ઝડપથી કરવા સૂચનાઓ આપવામાં આવેલી તે બાબત જાણીતી છે. એટલુ જ નહિં મુખ્યમંત્રી કેવડીયા કોલોની (સ્ટેચ્યુ ઓફ યુનિટી)ની મુલાકાતે ગયા તે અગાઉ ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન. સિંઘે પણ મુલાકાત લઈ કામની પ્રગતિથી વાકેફ થઈ પ્રોજેકટ ઝડપભેર પૂર્ણ થાય તે માટે તમામ પ્રયાસો કર્યા હતા.

દેશભરમાંથી આવનારા ડીજીપીઓ તથા તેમના પરિવાર આસપાસના જોવા લાયક સ્થળે ફરી શકે તે માટે તમામ સુવિધાઓ ગત વખતની જેમ મળી રહે તે માટે વિવિધ અફસરોને જવાબદારી સુપ્રત થનાર હોવાનું ચર્ચાય છે. સમગ્ર કાર્ય માટે ઉચ્ચ અધિકારીઓની એક વિશેષ કમીટી સંકલનની જવાબદારી સંભાળશે. કોન્ફરન્સમાં આતંકવાદી ગતિવિધિઓને બ્રેક, કોમી તોફાનો, મોબલોચીંગ જેવી ઘટનાઓ અંગે ચિંતન કરવા સાથે આગામી લોકસભાની ચૂંટણી બંદોબસ્તનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહેશે. વડાપ્રધાન આ બેઠકમાં વિશેષ માર્ગદર્શન પુરૂ પાડશે.

(3:34 pm IST)