Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

પાસ અને એસપીજીની સુરતમાં મળેલ બેઠકમાં થયેલા નિર્ણયથી ગાંધીનગર ચોંકયું: ગુજરાતભરમાં આઈબી રૂખ પારખવા સક્રિય

વડાપ્રધાનના આગમન સમયે વિરોધ-રાજકારણીઓને ઘેરવાના નિર્ણયના પ્રત્યાઘાતઃ સ્પેશ્યલ બ્રાંચો અને એલઆઈબીને પણ ઢંઢોળાઈઃ હવે શું થશે ? રાજ્યભરમાં હોટ ટોપીક

રાજકોટ, તા. ૨૪ :. પાસના અગ્રણી હાર્દિક પટેલના ઉપવાસ સમયે હવે હાર્દિકને પાટીદારોનું જાજુ સમર્થન નથી, કોઈ ભાવ નહિં પૂછે એવુ મનોમન સમજી અને ગુપ્તચર બ્યુરોના અભિપ્રાયને અનુસરી હાર્દિકના ઉપવાસને ગંભીરતાથી નહિં લઈ અને પાછળથી જે રીતે હાર્દિકના સમર્થનમાં ભાજપના બળવાખોરો સહિતના વિવિધ પક્ષના રાષ્ટ્રીય નેતાઓ પાટીદારોની વિવિધ ધાર્મિક સંસ્થાના આગેવાનો સમર્થનમાં આવ્યા તેની ગંભીરતા હવે સમજી તાજેતરમાં સુરત ખાતે પાટીદારોની આંદોલન માટેની મીટીંગ તથા આ મીટીંગમાં થયેલા સ્ફોટક નિર્ણયોના પગલે પગલે સ્ટેટ આઈબીને સક્રિય કરવા સાથે હવે સ્થાનિક લેવલે સ્પેશ્યલ બ્રાંચો અને એલઆઈબીને પણ હવાની રૂખ પારખવા માટે સક્રિય કરાયાનું ટોચના સૂત્રોમાંથી નિર્દેશ સાંપડે છે.

સુરતમાં તાજેતરમાં યોજાયેલી બેઠકથી ગાંધીનગર ભડકયુ તેના મૂળમાં આ બેઠકમાં ફકત પાસ અર્થાત પાટીદાર આંદોલન સમિતિના આગેવાનો જ નહિં પરંતુ સાથોસાથ લાંબા સમયથી પાસથી અલગ રહેતા એસપીજી અર્થાત સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલ ટીમ  પણ  સામેલ થતા આંદોલન ફરી બળવત્તર બને તેવી ભીતિ સતાવી રહી છે.

ટોચના સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સુરતની એ મહત્વની બેઠકમાં ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાનની મુલાકાત સમયે પાટીદારોની માંગણી સંદર્ભે દેખાવો કરવાની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી ગાજી રહી છે ત્યારે વડાપ્રધાન સામે તેમના હોમ સ્ટેટમાં જ આ રીતે દેખાવો થાય તે ભાજપની પ્રાદેશિક નેતાગીરીને કોઈકાળે મંજુર નથી. આ માટે જે પગલા લેવા પડે તે માટે તૈયારી રાખી હોવાનું પણ કહેવાય છે. વિશેષમાં ઉકત બેઠકમાં તબક્કાવાર આવેદનપત્રો આપવા સાથે તંત્ર મચક ન આપે તો આ વખતે ધારાસભ્યો અને પ્રધાનોના ઘેરાવનો પણ કાર્યક્રમ નક્કી કરવામાં આવતા હલબલાટ મચ્યો છે.

પાસ અને એસપીજી ફરી નજીદીક આવતા અને સાથે સંયુકત બેઠક કરતા હવે પાટીદારોના પ્રશ્નો જોરશોરથી ગુંજવા લાગશે. અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાંથી મુકત કરવાની માંગ હાર્દિકની ૩ માંગો પૈકી એક હતી. જેમાં દુર્લક્ષ સેવાતા પાટીદાર આંદોલનકારીઓ નારાજ થયા છે. મનોમન તમામ આગેવાનો એવુ માનવા લાગ્યા છે કે, જો અત્યારથી જ જોર નહીં કરીએ તો ભવિષ્યમાં અલ્પેશવાળી કરવામાં તંત્રને વાર નહિં લાગે.

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ જોરદાર આંદોલનો શરૂ થઈ રહ્યાના અણસાર રૂપે જ સુરતમાં પાટીદાર આંદોલનકારીઓએ પાટીદારોના સહકારથી ગણપતિ મહોત્સવમાં સંગઠનની તાકાતના જે દર્શન કરાવ્યા તે સુરત પુરતા મર્યાદીત રહેવાના બદલે આગામી દિવસોમાં ગુજરાતભરમાં પ્રસરી જાય તેવી ભીતિથી તંત્રએ આગોતરા પગલાના ભાગરૂપે જ રૂખ પારખવા ગુજરાતમાં ગુપ્તચર તંત્ર, સ્પેશ્યલ બ્રાંચો અને લોકલ આઈબી (એલઆઈબી)ને  એકટીવ કરી દીધી છે.(૨-૬)

(11:39 am IST)