Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

યુવાઓને કોઈ પણ તત્વોથી ગેરમાર્ગે દોરવાવું ન જોઇએ

રાજીવ ખંડેલવાલની દેશના યુવાઓને શીખ : જીએલએસબીબીએના સાંસ્કૃતિક મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ રાજીવ ખંડેલવાલે યુવાને રાષ્ટ્રધન ગણાવ્યા

અમદાવાદ, તા.૨૩ : આજના યુવાઓ એ દેશનું ભવિષ્ય છે. આજના યુવાનોમાં ઘમી જ સર્જનશકિત, કલા-કૌશલ્ય અને અખૂટ પ્રતિભા પડેલા છે ત્યારે યુવાઓએ પણ ગમે તેવા પડકારો કે પરિસ્થિતિથી હિંમત હાર્યા વિના રચનાત્મકતા અને હકારાત્મકતા વચ્ચે જીવનમાં આગળ વધવાનું લક્ષ્ય રાખવું જોઇએ. દેશના યુવાનોએ કોઇપણ તત્વોથી ગેરમાર્ગે દોરવાવું જોઇએ નહી કે, પોતાના સકારાત્મક લક્ષ્યથી વિમુખ થવું જોઇએ નહી કારણ કે, આવા તત્વોનો રાજકીય એજન્ડા, રાષ્ટ્રવિરોધી એજન્ડા કે અંગત સ્વાર્થનો પણ એજન્ડા હોઇ શકે અને તેનાથી યુવાનોએ ગેરમાર્ગે દોરવાયા વિના જીવનમાં પોતાની કારકિર્દી અને જીવન ઘડતરના લક્ષ્ય પામવા હકારાત્મકતા સાથે સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ એમ જાણીતા બોલીવુડ સ્ટાર અને સચ કા સામના ફેઇમ હોસ્ટ રાજીવ ખંડેલવાલે જણાવ્યું હતું. શહેરના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત જીએલએસ ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (જીએલએસબીબીએ) દ્વારા આજથી ત્રિદિવસીય રાષ્ટ્રીય કક્ષાના સાંસ્કૃતિક મહોત્સવ ઈમેજિનેશન (કલફેસ્ટ)-૨૦૧૮નું આજે જાણીતા ફિલ્મસ્ટાર અને સચ કા સામના ફેઇમ હોસ્ટ રાજીવ ખંડેલવાલે ઉદઘાટન કર્યું તે પ્રસંગે તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું. દેશમાં હાલ ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં જે પ્રકારની તંગ અને અશાંતભરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે અને દેશના યુવાઓ કેટલાક તત્વોના હાથા બનીને ગેરમાર્ગે દોરાઇ રહ્યા છે ત્યારે તેઓને શીખ અને પ્રોત્સાહક દિશા આપવાના ભાગરૂપે રાજીવ ખંડેલવાલે દેશના યુવાનોને ઉજળુ ભવિષ્ય અને રાષ્ટ્રધન ગણાવ્યા હતા. જાણીતા બોલીવુડ સ્ટાર રાજીવ ખંડેલવાલે વધુમાં જણાવ્યું હતું કે, જીવનમાં માત્ર શૈક્ષણિક કારકિર્દી જ સફળતાના માપદંડ નથી, જીવનમાં તમે અન્ય ક્ષેત્રોમાં પણ સફળ થઇ શકો છો અને કારકિર્દી બનાવી શકો છો. જીવનમાં ગમે તેવી નિષ્ફળતા કે હારની પરિસ્થિતિમાં પણ યુવાનોએ હિંમત હારવી જોઇએ નહી પરંતુ એ નિષ્ફળતા કે હારમાંથી કંઇક શીખીને આગળ વધવું જોઇએ અને સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ તો ચોક્કસપણે સફળતાના શિખરો સર કરી શકાય છે. રાજીવે પોતાના જીવનની કોલેજ લાઇફની આવી જ કેટલીક યાદાને વાગોળતાં જણાવ્યું હતું કે, તે કોલેજ લાઇફ દરમ્યાન થોડો શર્મિલો અને સંકોચવાળા સ્વભાવનો હતો. તેને સીંગર બનવાની બહુ ઇચ્છા હતી પરંતુ તે એ વખતે ખુલીને ગાઇ શકતો ન હતો. કોલેજેના આવા જ એક ફેસ્ટીવલમાં ગાવાની બાબતમાં તેનો સીન બન્યો હતો પરંતુ તેમાંથી તે કંઇક શીખીને આગળ વધ્યો અને આજે જીવનમાં આ મુકામ હાંસલ કરી શકયો છે. સચ કા સામના જેવા બહુ સફળતા પ્રાપ્ત કરનારા શો જેવા બીજો કોઇ શો કે કંઇક અલગ પ્રકારના રિયાલિટી શોમાં તેઓ જોવા મળશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં રાજીવ ખંડેલવાલે જણાવ્યું કે, સચ કા સામના એક અદ્ભુત અને લોકોની ખૂબ ચાહના પામનારો શો હતો પરંતુ તેના જેવો શો કે તેનાથી ચઢિયાતો શો હજુ સુધી તેમનો ઓફર થયો નથી, તેથી તેમણે આ બાબતે કોઇ રસ દાખવ્યો નથી. તાજેતરમાં જ તેમણે એક થ્રીલર અને કંઇક અલગ વિષયવસ્તુ આધારિત ફિલ્મ ક્મ્પલીટ કરી છે, જે ટૂંક સમયમાં જ રિલીઝ થશે. સારી ફિલ્મો અને કંઇક અલગ પ્રકારના રોલ કરવાની તેમની હંમેશા ખેવનાર રહી છે એમ તેમણે ઉમેર્યું હતું. જીએલએસ ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (જીએલએસબીબીએ)ના સાંસ્કૃતિક મહોત્સવ ઈમેજિનેશન (કલફેસ્ટ)-૨૦૧૮માં હાજરી આપનાર જાણીતી અભિનેત્રી ભકિત કુમાવત અને ગુજરાતી કલાકાર ઓજસ રાવલે પણ આ પ્રસંગે પોતાના કોલેજકાળની યાદો વાગોળી જૂના સંસ્મરણો તાજા કર્યા હતા.

(9:09 pm IST)