Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જારી : ભિલોડામાં ૭ ઈંચથી વધુ

મોડાસા-શામળાજી હાઈવે પર જળબંબાકરની સ્થિતિ સર્જાઈ : વરસાદથી મોટી સંખ્યામાં વાહનો અને લોકો શામળાજી હાઈવે પર અટવાયા હિંમતનગરમાં પાંચ ઈંચથી વધુ અને ઈડરમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદ, તા. ૨૩ : ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો દોર આજે જારી રહ્યો હતો. અરવલ્લીના ભિલોડામાં સાત ઈંચથી પણ વધુ વરસાદ ખાબકી જતા ચારે બાજુ જળબંબાકરની સ્થિતિ જોવા મળી હતી. ચારેબાજુ પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મોડાસા-શામળાજી હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. ભિલોડામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ભારે વરસાદના પરિણામ સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો શામળાજી હાઈવે ઉપર પણ ફસાયા હતા. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હજુ ભારે વરસાદ ગુજરાતમાં જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. સાબરકાંઠા, હિંમતનગર, ઈડર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. હિંમતનગરમાં કલાકોના ગાળામાં જ પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે ઈડરમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો હતો. મહેસાણામાં પણ ટુંકા ગાળામાં જ બે ઈંચથી વધુ વરસાદ તૂટી પડ્યો હતો. ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છ-માંડવીના આસપાસના વિસ્તારોમાં પણ હળવો વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. હાલમાં જ્યાં ભાદરવી પુનમ મેળો ચાલી રહ્યો છે તે ધાર્મિક સ્થળ અંબાજીમાં પણ ઉલ્લેખનિય વરસાદ થયો છે. જોકે આના લીધે શ્રદ્ધાળુઓ ઉપર કોઈ અસર થઈ નથી. શ્રદ્ધાળુઓનો ધસારો અકબંધ રીતે જારી રહ્યો છે. હિંમતનગર-ઈડર હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. બે કલાકના ગાળામાં જ ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાઈ જતા રસ્તા ઉપર વાહનો અટવાઈ પડ્યા હતા. સરખેજ હાઈવે ઉપર પણ ભારે વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે અને અહીં પણ પાણી ફરી વળ્યા હતા. મેશ્વો નદી બે કાંઠે થઈ ગઈ છે. શામળાજી નજીક મેશ્વો નદી પર મેશ્વો ડેમ પણ ઓવરફ્લો થવાની નજીક પહોંચી ગયો છે. આજે સતત બીજા દિવસે ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે શનિવારના દિવસે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. રાજ્યના ૬૦થી વધુ તાલુકાઓમાં ઉલ્લેખનીય વરસાદ થયો હતો. શનિવારના દિવસે ક્વાંટ, મોડાસા, દાહોદ, ગાંધીનગર, સાબરકાંઠા, હિંમતનગર, જાંબુઘોડા, છોટાઉદેપુર, નસવાડી, બોડેલી, ગરબાડામાં ભારે વરસાદ ખાબક્યો હતો. આજે ઉત્તર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. ખાસ કરીને અરવલ્લીના ભિલોડામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. મોડાસા-શામળાજી હાઈવે પર ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. તંત્રને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. રસ્તા ઉપર વાહનોની લાંબી લાઈનો પણ જોવા મળી હતી.  ગઈકાલે ક્વાંટ, છોટાઉદેપુરમાં બે ઇંચથી વધુ વરસાદ થયો હતો જ્યારે દાહોદમાં પણ બે ઇંચથી વધુ વરસાદ થયો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે, ભારે વરસાદ ગુજરાત ઉપરાંત અન્ય ભાગોમાં પણ પડી શકે છે. પૂર્વીય રાજસ્થાન, ગુજરાત, દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આવતીકાલે હિમાચલમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. ગુજરાતમાં પણ ભારે વરસાદની ચેતવણી હોવાથી તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાયા છે. દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર ડિપ્રેશનની સ્થિતિ સર્જાયેલી છે જેના પરિણામ સ્વરુપે વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે.  ગુજરાતમાં મોનસૂન ફરી એકવાર રીતે સક્રિય થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ થયો છે ત્યારે બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થયો છે અને સાબરકાંઠા, બનાસકાંઠા, મહિસાગર અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી તંત્ર દ્વારા જારી કરાઈ છે. આગામી પાંચ દિવસ દરમિયાન હળવો વરસાદ અન્યત્ર પણ જારી રહી શકે છે. આજે અંબાજી નજીક પહાડી વિસ્તારોમં ભેખડ ધસી પડવાના બનાવ પણ બન્યા હતા.

ક્યા કેટલો વરસાદ....

અમદાવાદ, તા. ૨૩ : ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદ થયો હતો. ગઈકાલના ભારે વરસાદ બાદ આજે પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો.   આજે ભિલોડામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના લીધે લોકોની હાલત કફોડી બની હતી. સમગ્ર ભિલોડામાં ચારેબાજુ પાણી ભરાયા હતા. ક્યા કેટલો વરસાદ થયો છે તે નીચે મુજબ છે.

વિસ્તાર......................................... વરસાદ (ઇંચમાં)

ભિલોડા............................................. ૭ ઈંચથી વધુ

હિંમતનગર....................................... ૫ ઈંચથી વધુ

ઈડર................................................ ૪ ઈંચથી વધુ

મહેસાણા........................................... ૨ ઈંચથી વધુ

વિજયનગર............................................. ૧.૭ ઈંચ

ખેડા............................................................ ૧ ઈંચ

ખેડબ્રહ્મા...................................................... ૧ ઈંચ

વડાલી........................................................ ૧ ઈંચ

(7:23 pm IST)