Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

દાહોદ તાલુકાના ટાંડા ગામે તળાવમાં ડૂબી જતા ત્રણ સગા ભાઈ-બહેનના મોતથી અરેરાટી: બાળકોને બચાવવા માતાએ ઝપલાવતાં મોતને ભેટી: એક ઘરમાંથી ચારના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ

દાહોદ: તાલુકાના ટાંડા ગામે આજે સાંજે ઘર નજીક તળાવમાં ડૂબી જતાં સગીર વયના ત્રણ  સગા ભાઇ બહેનના મોતની ઘટના બની છે. તળાવ નજીક રમી રહેલા ભાઇ બહેન પૈકી એક ભાઇ તળાવમાં ડૂબવા લાગતા અન્ય બે ભાઇ બહેન તેને બચાવા તળાવમાં કૂદી પડયા હતાં અને ત્રણેય બાળકો તળાવના પાણીમાં ડૂબવા લાગ્યા હતા તેને બચાવવા બાળકોની માતાએ પણ તળાવમાં ઝંપલાવ્યુ હતું પરંતુ ત્રણ બાળકો અને તેની માતાના તળાવમાં ડૂબી જતા મોત થયા હતા

પ્રાપ્ત વિગતો અનુસાર ટાંડા ગામે ચારમારીયા ફળિયામાં રહેતા મુકેશ રતનભાઇ પરમારના ત્રણ બાળકો સચિન (ઉ.૧૩), ચેતના (ઉ.૧૧) અને હિમાંશુ (ઉ.૮) આજે સાંજે ઘર નજીક આવેલા તળાવ પાસે રમી રહ્યા હતા. ત્યારે ત્રણ પૈકી એક બાળક તળાવના પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જોઇને બીજા બે બાળકો તેને બચાવવા માટે તળાવના પાણીમાં ગયા હતા અને તે બન્ને પણ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.  તળાવમાં ડુબતા ત્રણ બાળકોને જોઇને તેની માતા રેખા પણ દોડી હતી અને તળાવમાં ઝંપલાવ્યું હતું પરંતુ રેખા ત્રણ બાળકોની બચાવી તો ના શકી અને પોતે પણ પાણીમાં ડૂબી ગઇ હતી. 

(11:26 am IST)