Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે

ગુજરાતમાં કુલ વરસાદ ૯૦ ટકાથી વધુ નોંધાયો છે : રાજ્યના જળાશયોમાં ગત વર્ષ કરતા ૨૬ ટકા વધુ પાણી વરસાદ બાદ નર્મદા ડેમમાં ૮૨.૬૧ ટકા જળસંગ્રહ થયો

અમદાવાદ, તા.૨૩ : ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આગામી પાંચ દિવસ માટે જારી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને પોરબંદરમાં ભારે વરસાદ થઇ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શરૂઆત થઇ ચુકી છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે. ઉત્તરપૂર્વ અરેબિયન દરિયા ઉપર અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે જેથી ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ખેડા, વડોદરામાં પણ ભારેથી અતિભારે વરસાડ પડી શકે છે. રાજ્યમાં મેઘરાજાએ સાર્વત્રિક રીતે મહેર કરી છે જેના પરિણામે ચાલુ સીઝનનો સરેરાશ વરસાદ ૯૦ ટકાથી વધુ નોંધાયો છે. રાજ્યના ૨૦૪ જળાશયોમાં ૩,૯૪,૭૫૧.૪૨ એમસીએફટી જેટલો જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહશક્તિના ૭૦.૯૧ ટકા જેટલો થાય છે.

          રાજ્યમાં થયેલા સાવર્ત્રિક વરસાદને પરિણામે આજની તારીખે રાજ્યના ૨૦૪ જળાશયોમાં જે જળસંગ્રહ ૭૦.૯૧ ટકા છે તે ગત વર્ષે ૪૪.૨૧ ટકા જેટલો હતો. આમ ગત વર્ષ કરતા આ વર્ષે રાજ્યના જળાશયોમાં ૨૬ ટકા વધુ પાણી છે.રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ, રાજ્યભરમાંથી આજની તારીખ ૨૩-૦૮-૨૦૧૯ સુધીમાં ૯૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે. એમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૪.૯૫ ટકા અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં ૬૭.૩૩ ટકા જેટલો નોંધાયો છે. જ્યારે કચ્છ ઝોનમાં ૧૦૨.૬૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૮.૮૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૪.૬૧ ટકા જેટલો સરેરાશ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદને પરિણામે આજની તારીખે રાજ્યના ૨૦૪ જળાશયોમાં જે જળસંગ્રહ ૭૦.૯૧ ટકા છે તે ગત વર્ષે ૪૪.૨૧ ટકા જેટલો હતો.

       ઉત્તર ગુજરાતની ૧૫ યોજનામાં ૩૧.૧૨ ટકા, મધ્ય ગુજરાતની ૧૩ યોજનામાં ૯૩.૦૫ ટકા, દક્ષિણ ગુજરાતની ૧૩ યોજનાઓમાં ૭૯.૨૧ ટકા, કચ્છની ૨૦ યોજનામાં ૬૧.૩૮ ટકા અને સૌરાષ્ટ્રની ૧૩૯ યોજનાઓમાં ૫૩.૪૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના ૨૦૪ જળાશયો પેકી ૩૪ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાયા છે. ૫૧ જળાશયો ૭૦ ટકા થી ૧૦૦ ટકા વચ્ચે, ૧૯ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે, ૪૨ જળાશયો ૨૫ ટકાથી ૫૦ ટકા વચ્ચે અને ૫૮ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. આમ, રાજયરના જળાશયોની સ્થિતિ એકંદરે સારી બની રહી છે, જેને પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઇ છે. બીજી બાજુ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ આજે પણ જારી રહ્યો હતો. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે.

(9:05 pm IST)