Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

બિસ્માર રસ્તાઓને નવરાત્રિ પૂર્વે પૂર્વવત કરવા તૈયારીઓ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખાતરી આપી : માર્ગ મરામતના કામો યુદ્ધના ધોરણે શરૂ કરાયા : ધાર્મિક, પ્રવાસન સ્થળોને જોડતા ટ્રાફિકવાળા માર્ગોને પ્રાથમિકતા

અમદાવાદ,તા.૨૩ : નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, માર્ગ સુવિધાના નેટવર્ક ક્ષેત્રે ગુજરાતે દેશમાં સારી પ્રતિષ્ઠા મેળવી છે ત્યારે આ વર્ષના ચોમાસામાં ભારે વરસાદથી જે રસ્તાઓ બિસ્માર થયા છે તે રસ્તાઓને રાબેતા મુજબ વાહન વ્યવહાર થઇ શકે તે માટે નવરાત્રી પહેલા પૂર્વવત કરી દેવાશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વરસાદને કારણે તેમજ પૂરના પાણી રસ્તાઓ પરથી પસાર થવાના કારણે માર્ગોને કરોડો રૂપિયાનું નૂકસાન થયુ છે. તે રસ્તાઓ પરના નાળા/પુલોને પણ ભારે વરસાદને કારણે નૂકશાન થયેલ છે. એ રસ્તાઓ તથા નાળા/પુલો પણ પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે માર્ગ-મકાન વિભાગ દ્વારા હાથ ધરી દેવામાં આવી છે. રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો, સ્ટેટ હાઇવે, જિલ્લા માર્ગોને તથા અન્ય ગ્રામ્ય માર્ગોને પણ નૂકસાન થયુ છે તેમાં જે ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોને અગ્રીમતાના ધોરણે મરામત કરીને વાહનવ્યવહાર પુર્વવત થાય એ રીતે કામ કરવાનું શરૂ કરી દેવાયું છે.

             તેમણે ઉમેર્યુ કે, નાગરિકોને સુવિધા આપવા માટે માર્ગો પર જે નૂકશાન થયું હોય અને ધોવાણ થયુ છે તે તમામ માર્ગો પર માટી કામ, મેટલ કામ અને ડામર પેચ વર્કના કામો શરૂ કરી દેવાયા છે. જે સત્વરે પૂર્ણ કરાશે. ઉપરાંત આગામી સમયમાં વરસાદ ન પડે, ઉઘાડ નિકળે અને અનૂકુળ પરિસ્થિતિ રહે તો માર્ગ-મકાન વિભાગ દ્વારા હોટ મીક્સ પ્લાન્ટ શરૂ કરાવીને પેવરથી ડામર પેચવર્કના કામો સત્વરે યુદ્ધના ધોરણે પૂર્ણ કરાશે. તેમણે કહ્યું કે, જે માર્ગો પર મોટા પ્રમાણમાં નૂકશાન થયું છે તે માટે કાર્પેટીંગની જરૂરીયાત માટેઅલગથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને આ કામો પણ સત્વરે પુરા કરાશે. રાજ્યના માર્ગોને પ્રાથિક અંદાજ મુજબ ૫૦ કરોડથી વધુનું નૂકશાન થયુ છે તે તમામ કામો ઝડપથી પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

(9:08 pm IST)