Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

સોમવારથી ગુજરાતમાં ધોરણ 9થી 11ના ઓફલાઈન વર્ગો શરુ

વિદ્યાર્થીઓ માટેની બેઠક વ્યવસ્થાની સમીક્ષા કરવા સાથે શાળાના તમામ વર્ગોને સેનિટાઈઝ કરવાની કામગીરી કરાઈ

અમદાવાદ :  કોરોના કાળ બાદ હવે વિદ્યાર્થીઓની અભ્યાસની પદ્ધતિ તેમજ શાળાની વ્યવસ્થાઓમાં બદલાવ આવ્યો છે. ત્યારે સોમવારથી ધોરણ 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા માટેની પરવાનગી આપી દેવાઈ છે અમદાવાદમાં ઘણી સ્કૂલોમાં અત્યારથી જ વિદ્યાર્થીઓ માટેની બેઠક વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે અને શાળાના તમામ વર્ગોને સેનિટાઈઝ કરવામાં આવ્યાં છે.

50 ટકા કેપિસિટી સાથે તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરી તેમના સંમતિ પત્રક તપાસીને જ શાળામાં પ્રવેશ અપાશે. આ મામલે શાળા સંચાલક પ્રવીણ ભાઈ એ જણાવ્યું કે તમામ વર્ગ ખંડોને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે.કોરોનાની ગાઈડલાઈન મુજબ તમામ સાધનો અને વ્યવસ્થાની અમે સમીક્ષા કરી છે. આજે જેમાં થર્મલ ગન એન્ટ્રી ગેટ પર સેનિટાઈઝર અને બેઠક વ્યવસ્થાને ધ્યાનમાં રાખવામાં આવી છે. અમે તમામ વાલીઓને સમતી પત્રક સાથે વિધાર્થીઓને શાળાએ મોકલવા માટેની સૂચના આપી છે.

કોરોનાને કારણે વર્ગમાં કેપેસિટી સાથે જ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે, જેમાં અત્યારે ધોરણ 12ના વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની 50 ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. જ્યારે અન્ય 50 ટકાને બીજા દિવસે બોલાવવામાં આવે છે, એટલે કે એક વિદ્યાર્થી જે દિવસે આવે તેના બીજા દિવસે વિદ્યાર્થીને આવવાનું રહેતું નથી. બીજા દિવસે અન્ય વિદ્યાર્થીઓ આવે છે, જે બાદ ત્રીજા દિવસે ફરીથી પહેલા દિવસે આવેલા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આમ, ઓડ ઈવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે અને આ પદ્ધતિથી જ 9થી 11ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.

9 થી 11 ની સ્કૂલો હવે શરૂ થવાની છે જેને લઇને હવે સંચાલક, વાલીઓ અને વિદ્યાર્થીઓ તૈયારી શરૂ કરી છે. સ્કૂલો શરૂ કર્યા અગાઉ સ્કૂલમાં સાફ સફાઈ અને અન્ય કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્કૂલ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓને નિયમોનું પાલન કરાવવામાં આવશે તે માટે પણ તૈયારી કરવામાં આવી રહી છે. બીજી તરફ વાલીઓ દ્વારા પણ બાળકને સ્કૂલે મોકલવા તૈયાર કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ નિયમોનું પાલન કરે અને સંક્રમિત ના થાય તે માટે વાલીઓ બાળકને સમજાવી રહ્યા છે. વાલીઓના મનમાં પણ કોરોનાનો ડર છે પરંતુ સારું શિક્ષણ મળે તે માટે બાળકોને ઓફલાઇન સ્કૂલમાં મોકલશે

(7:38 pm IST)