Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગુરુપૂર્ણિમાંના પુનિત પર્વે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા વ્યાસ ભગવાનનું પૂજન

અમદાવાદ તા.૨૪ ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ. ગુરુપૂર્ણિમાં એટલે  વ્યાસ પૂજનનો દિવસ. ગુરુપૂર્ણિમાનું પર્વ  ભારતીય સંસ્કૃતિનું શિરમોડ પર્વ છે. વેદ વ્યાસ ભગવાને   શ્રીમદ્ ભાગવત, મહાભારત આદિ ગ્રન્થોની રચના અને વેદોના ચાર ભાગ કરી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીને વિશ્વના ગુરુ સ્થાને મૂકી છે. એવા વેદ વ્યાસ ભગવાનના ઋણને ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી
      શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શુક્લયજુર્વેદ, કૃષ્ણયજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો અભ્યાસ કરતા નાના ઋષિકુમારોએ વૈદિક મંત્રોના ગાન સાથે, મહાકાય આજાનબાહુ વ્યાસ ભગવાનનું પૂજન કર્યું હતું.
    વ્યાસ ભગવાને રચેલ ૧૮ પુરાણો શ્રીમદ્ ભાગવત, માર્કંન્ડેય પુરાણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ, લિંગપુરાણ, નારદપુરાણ, અગ્નિપુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, વરાહપુરાણ, સ્કંદપુરાણ, વામન પુરાણ, કુર્મપુરાણ, બ્રહ્માંડપુરાણ, ગરુડ પુરાણ વગેરે અઢારેય પુરાણોની માધવપ્રિયદાજી સ્વામીએ પૂજાકરી હતી.
    તેમજ તમામ ઋષિકુમારોએ તમામ ગુરુજનોનું કપાળે ચંદનની અર્ચા  કરી પૂજન કર્યુ હતું.
આ પ્રસંગે ખાસ વિષ્ણુયાગ રાખવામાં આવેલ. યજ્ઞની તમામ વિધિ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક શ્રી લક્ષ્મીનારાયણજી, જોષી ચિતંનભાઇ અને ભગીરથભાઇ ત્રિવેદીએ કરાવી હતી.
    આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા સ્વામીજીએ ગુરુ પૂર્ણિમાનો મહિમા તેમજ અગ્નિદેવનો મહિમા સમજાવ્યો હતો
 આ પ્રસંગે રાજકોટથી ધનસુખભાઇ ભંડેરી, વિપુલભાઈ ગજેરા ખાસ ઉપસ્થિત રહી યજ્ઞનો લાભ લીધો હતો.

 

(12:48 pm IST)