Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

માંડલ તાલુકાના શેર બાલા હનુમાનજી ખાતે ગુરુપુર્ણિમા મહોત્સવ યોજાયો

ગુરુ એટલે ચંદ્ર જેવો શીત્તળ મહાપુરુષ - શિષ્ય-ગુરૂ વચ્ચેનો નાતો અનોખો છે : પૂ.શાસ્ત્રીજી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :દરવર્ષે રાજ્યમાં અષાઢ સુદ પુનમના રોજ ગુરુપુર્ણિમાની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવતી હોય છે.  માંડલથી દાલોદ જવાના રોડ ઉપર શેરગામના બોર્ડ ઉપર બાલા હનુમાનજી સ્થિત જગ્યામાં  શુક્રવારના રોજ કોવિડ ગાઈડલાઈન અને મોટી સંખ્યામાં ભક્તો વચ્ચે પૂ.રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીની ગુરુપરંપરા હેઠળ ખુબજ શ્રધ્ધાભેર ગુરુપૂજન, સત્સંગ, મહાઆરતી, મહાનુભાવોના સ્વાગત સન્માન તેમજ ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. ગુરુપુર્ણિમાના પાવન અવસરે પુ.શાસ્ત્રીજીએ શેરીયા હનુમાનજીની જગ્યાના ગૌશાળા કેમ્પસમાં તેમના શ્રીમુખમાંથી શ્રોતાઓ અને શિષ્યવૃંદોને ભવ્ય ગુરુવાણીની જ્ઞાનગંગા પીરસી હતી. પુ.શાસ્ત્રીજીએ તેમનો ભાવ પ્રકટ કરતાં જણાવ્યું હતું કે, દરેક જીવમાત્રના જીવનમાં એક ગુરુ હોવો જરૂરી છે તમારા ગુરુ વિવિધ પ્રકારના હોવા જોઈએ તમારા જીવનમાં પુજનિય ગુરુ,વિદ્યા ગુરુ,પ્રેરણાગુરુ આવા ગુરુ હોવા જાેઈએ. ગુરુએ ચંદ્ર જેવો શિત્તળ છે ભગવાનને પણ જ્ઞાન લેવા માટે પોતાના ગુરુ કરવા પડે છે. આ અદ્દભુત ગુરુવાણીનો લાભ વિરમગામના  ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગૌસ્વામી, અમદાવાદ જિલ્લાના માંડલ, સીતાપુર, દેત્રોજ, વિરમગામના સદસ્ય અને ચેરમેન તથા માંડલ ભાજપ સંગઠનની ટીમ કાર્યકરો તેમજ શેર અને આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લઈ ગુરુપુજન કરી ભોજનપ્રસાદનો લાભ લીધો હતો. પુ.શાસ્ત્રીજીએ આ જગ્યા ઉપર શ્રાવણ માસમાં સાત દિવસની પારાયણ યોજાશે તેવું કહ્યું હતું અને દાતાશ્રીઓએ પણ દાનના નામો લખાવ્યા હતાં આ ગુરુપુજન અને મહાઆરતીના કાર્યક્રમ બાદ સૌ શિષ્યવૃંદોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.( તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(12:31 am IST)