Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

હવે લોકો એમ નહિ કહે કે પોલીસ નિમય ભંગ બદલ અમને ખોટી રીતે દંડે છે

ગુજરાતમાં હવે નિયમભંગ કરનાર પોલીસને પણ છોડાશે નહિ

ગાંધીનગર: જેને કાયદાનું પાલન કરવાનું હોય છે તેઓ જ નિયમોની ઐસી-તૈસી કરતાં હોવાનું શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાન પર આવ્યું છે. આથી નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવાની સાથોસાથ તેનો રિપોર્ટ ઉપરી અધિકારીઓને રોજરોજ મોકલવાની સૂચના જારી કરવામાં આવી છે. ત્યાં સુધી કે આ અંગે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ ઝુંબેશ આજ પુરતી જ નહીં બલ્કે 29મી જુલાઇ સુધી ચાલુ રાખવામાં આવશે.

અમદાવાદ શહેર ટ્રાફિકના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડા દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવ્યું છે કે, પોલીસ અધિકારી- કર્મચારીઓ ફરજ પર આવતા-જતાં દરમિયાન હેલ્મેટ પહેર્યા વગર ત્રણ સ્વારી, ડાર્ક ફિલ્મ લગાવી, ખામી યુક્ત નંબર પ્લેટ, એચ.એસ.આર.પી. નંબર પ્લેટ વગર, પોલીસ અથવા પી લખેલું વાહન, માસ્ક પહેર્યા વગર વગેરે કાયદાનો ભંગ કરીને વાહન ચલાવતાં હોવાનુ ધ્યાને આવ્યું છે. જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન તેમ જ અશોભનીય બાબત છે. જેનાથી પોલીસ વિભાગની છાપ ખરડાય છે. જે બિલકુલ ચલાવી શકાય નહીં. જેથી આ બાબતની ચુસ્તપણે અમલ કરવા માટે તા.23થી 29 જુલાઇ સુધી ઝુંબેશ રાખવામાં આવે છે. આ ઝુંબેશ દરમિયાન વાયોલેશન કરનારા કર્મચારીના નિયંત્રણ અધિકારી ( ડીસીપી )ને શિસ્ત વિરુધ્ધના પગલાંઓ લેવા માટે પણ રિપોર્ટ કરવાનો રહેશે.

શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની સૂચનાથી જારી કરેલાં આદેશમાં વધુમાં જણાવ્યું છે કે, તમામ પોલીસ સ્ટેશનો તેમજ પોલીસ હેડ કવાર્ટર, પોલીસ કમિશનર કચેરી, તમામ પોલીસ અધિકારીઓની કચેરીઓમાં આવતા-જતાં પોલીસ કર્મચારીઓ જે ઉક્ત જોગવાઇનો ભંગ કરતા જણાઇ આવે તો તેઓ વિરુધ્ધ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કેસો કરવાના રહેશે. આ સ્થળોએ પોલીસ ચેંકીંગ પોઇન્ટ ગોઠવવાના રહેશે. આ અંગે થાણાં ઇન્ચાર્જે જાતેથી કામગીરી કરવાની તથા કરાવવાની રહેશે. તેમ જ ડીસીપી ટ્રાફિક પૂર્વ તથા પશ્ચિમ ઝોન તથા તમામ ઝોન ડીસીપીઓએ અને તમામ એસીપીઓએ પોતપોતાના વિસ્તારમાં હાજર રહી અસરકારક કામગીરી થાય તેનું સુપરવિઝન કરવાનું રહેશે.

આ ડ્રાઇવ દરમિયાન કરેલી કામગીરીનો રિપોર્ટ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જોએ પોતાના કાર્યક્ષેત્રની માહીતી સંકલિત કરી રોજરોજ મદદનીશ પોલીસ કમિશનર ( ટ્રાફિક વહીવટ )ને ફરજિયાત પણે મોકલવાની રહેશે તેવી તાકીદ કરાઇ છે.

શું વિગતો મોકલવાની રહેશે ?

   પોલીસ સ્ટેશન / ઝોન ડીસીપી
– નિયમ ભંગ કરનારા પોલીસ અધિકારી-કર્મચારીનું નામ, બકલ નંબર, હોદ્દો
– કયા પ્રકારનો નિયમ ભંગ કરતા મળી આવ્યા
– નિયમ ભંગ બદલ શું કામગીરી કરાઇ તેની વિગતો
– નિયમંત્રણ અધિકારી ( ડીસીપી)ને કરેલ રિપોર્ટનો જાવક નંબર અને તારીખ

(10:20 pm IST)