Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સુરતના પીઆઇ એન. ડી. ચૌધરીએ એક કરોડની અ-ધ-ધ લાંચ માંગેલી

ઉચ્ચ અધિકારીઓને અદાલતમાંથી જામીન ન મળે તે માટેના એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં ચાલતા કાનૂની જંગમાં વધુ એક સફળતા : પીઆઇના જામીન સુપ્રિમ કોર્ટે પણ નામંજુર કર્યા : ૩૦ લાખ પ૦ હજારમાં ડીલ ફાઇનલ થયેલીઃ આરટીઓ કચેરીને કરોડોનુ઼ નુકશાન પહોંચાડનાર આરોપીઓને છાવરવાનું ગંભીર કૃત્ય મજકુર પોલીસ અધિકારીએ સાથી કર્મચારીઓ સાથે મળીને આચર્યુ હતું

રાજકોટ, તા., ર૪: સુરત શહેરના સરથાણા પોલીસ મથકના તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર એન.ડી.ચૌધરી દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનની હદના સ્ટાર ઓટો ગેરેજના માલીક ઇરશાદ કાળુભાઇ પઠાણ દ્વારા ૮,૬ર,૮૮૪નો બાકી ટેક્ષ ન ભરવા અને ભવિષ્યમાં બીજો કોઇ સરકારી ટેક્ષ ન ભરવો પડે તે માટે મૂળ લકઝરી બસના ચેસીસ નંબર ફેરવી રોડ ઉપર ફેરવવાનું કાવત્રુ કરવાના પ્રયાસ બદલ ગુન્હો દાખલ ન કરવા માટે રૂ. ૩૧ લાખનો તોડ કરી લાંચ લેવાના ગુન્હામાં ઝડપાયેલા પીઆઇ એન.ડી.ચૌધરીની આગોતરા જામીન માટેની અરજી નામંજુર કરતા રાજયના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના વડા કેશવકુમારના માર્ગદર્શનમાં વધુ એક કાનુની જંગમાં સફળતા મળી છે.

ખોટી ચેસીસ નંબર લગાડી રાજય સરકાર સાથે ગંભીર પ્રકારની છેતરપીંડી કરવાનો પ્રયાસ કરવાના આ ગુન્હામાં આરોપીને તત્કાલીન પીઆઇ એન.ડી.ચૌધરી, પીએસઆઇ એચ.એમ.ગોહીલ, પોલીસમેન ગોપાલભાઇ ડાયાભાઇ તથા ભગુભાઇ રાઘુભાઇએ આખુ કાવત્રુ રચી ઇશાદ તથા અફઝલને સ્ટાર ઓટો ગેરેજમાંથી સરથાણા પોલીસ મથકના લોકઅપમાં લઇ જઇ માર માર્યો હતો તેવું એસીબી સુત્રો જણાવે છે.

એસીબી સુત્રોના કથન મુજબ ઉકત આરોપીઓને ગુન્હાની ગંભીરતા બતાવી અને વિવિધ કલમો હેઠળ તેઓને જેલમાં મોકલી દેવાશે તેવુ જણાવી સૌ પ્રથમ એક કરોડની લાંચ માંગી ત્યાર બાદ ૩૦ લાખ પ૦ હજારમાં ફાઇનલ કર્યુ હતું. આમ આરોપીઓને બચાવી રાજય સેવક તરીકેના હોદાનો દુરઉપયોગ કરી ગુન્હાહીત કૃત્ય આચર્યુ હતું તેવું એસીબી દ્વારા સુરત કોર્ટમાં જણાવી કલમ ૭૦ મુજબ ધરપકડનું વોરંટ પણ મેળવેલ. ત્યાર બાદ આરોપી પોલીસ અધિકારીઓને હાજર થવા કલમ-૮ર મુજબ જાહેરનામું પણ ઇસ્યુ થયેલ.

ઉકત ગુન્હાના આરોપીઓ (૧) ફરજ મોકુફ પીઆઇ નરસિંહ દેવજી ચૌધરી અને આરોપી નં. (૪) ફરજ મોકુફ અ.પો.કો. ભગુભાઇ રાઘુભાઇએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ.  તે પૈકી પીઆઇ એન.ડી.ચૌધરીની જામીન અરજી નામંજુર કરેલ.  ચોથા આરોપીએ જામીન અરજી વીથડ્રો કરી લીધેલ. ત્યાર બાદ પીઆઇ  એન.ડી.ચૌધરીએ સુપ્રિમ કોર્ટમાં કરેલી આગોતરા જામીનની અરજી પણ નામંજુર કરવામાં આવી છે.

(1:25 pm IST)