Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ગુજરાતના રાજ્યપાલ આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજી SGVP ગુરૂકુલની મુલાકાતે

અમદાવાદ તા. ૨૪ ગુજરાત રાજ્યના નવનિયુક્ત માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પદારૂઢ થયા બાદ સૌ પ્રથમ SGVP કેમ્પસમાં આવેલ વિશાળ ગૌશાળાનાં દર્શન કરવા પધાર્યા હતા. સંસ્થા વતી પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, ઇન્ટરનેશનલ સંકુલના ડાયરેક્ટર શ્રી જયદેવભાઈ સોનગરા, સંતો તથા ઋષિકુમારોએ રાજ્યપાલશ્રીનું વેદમંત્રોના ઉચ્ચાર સાથે ભાવભીનું સ્વાગત કર્યું હતું.

માનનીય રાજ્યપાલશ્રી સંસ્કૃત, સંસ્કૃતિ અને ગૌપ્રેમી છે. ગુરૂકુલ પરંપરા એમને ખૂબ જ ગમે છે. પદારૂઢ થયા બાદ એમના હૃદયની ઈચ્છા ગાયોના દર્શન કરી આશીર્વાદ મેળવવાની હતી. જેથી તેઓ SGVP કેમ્પસમાં ગીર ગાયોના દર્શને પધાર્યા હતા અને ગૌપૂજન કર્યું હતું.

સાથે સાથે તેઓએ કેમ્પસમાં જ આવેલી અત્યાધુનિક સાધનોથી સજ્જ અને એલોપથી, આયુર્વેદ અને યોગના સંગમ સાથે કાર્યરત SGVP હોલિસ્ટિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. એ ઉપરાંત દર્શનમ્‌સંસ્કૃત મહાવિદ્યાલયની મુલાકાત લઈ વેદ અને વૈદિક વિષયોનો અભ્યાસ કરી રહેલા ઋષિકુમારોને શુભકામના પાઠવી હતી અને કહ્યું હતું કે, ‘આટલું સુંદર વેદોનું ગાન સાંભળી મારૂં હૃદય પ્રસન્ન થઈ રહ્યું છે.’

આ પ્રસંગે મનનીય રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ‘હું આ પહેલા પણ ગુરૂકુલની ગૌશાળાના દર્શને આવી ચૂક્યો છું. ગુરૂકુલ દ્વારા સંચાલિત ગૌશાળા, પાઠશાળા અને ઔષધાલયને જોઈને અત્યંત હર્ષ થાય છે. અહીંના સંતો દ્વારા આજની યુવા પેઢીને સંસ્કારિત કરવાના પ્રયત્નો અત્યંત પ્રસંશનીય છે. હું આ સંસ્થા સાથે હૃદયથી જાડાવા તત્પર છું.’

ઉપરાંત તેઓએ દ્રોણેશ્વર ગુરૂકુલ ખાતે વિરાજમાન સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી સાથે ટેલીફોનીક વાત કરી હતી અને પોતાના હૃદયના ઉદ્‌ગારો જણાવ્યા હતા કે, ‘ગુજરાતમાં મારે ગૌસંસ્કૃતિ અને ગૌ આધારિત ઓર્ગેનિક ખેતીનો વિકાસ કરવાની ઈચ્છા છે.’

સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘આપના આ અભિયાનમાં ગુરૂકુલ સદૈવ આપની સાથે રહેશે.’

(12:26 pm IST)