Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

અધિકારીઓએ જપ્ત કરેલી કાર અંગત વપરાશમાં લીધી

લોનના હપ્તા ન ભરી શકતા કાર બેંકે જપ્ત કરી હતી : લોનના હપ્તા ભરી દેતાં ગાડી પરત માગતા બેંકે ગેરેજમાંથી ગાડી લેવા જવાનું કહેતા સમગ્ર મામલો સામે આવ્યો

સુરત, તા. ૨૪ : બેંક ઓફ બરોડાની ગ્રામિણ શાખા બરોડા ગુજરાત ગ્રામીણ બેંકને ગ્રાહક સુરક્ષા અદાલતે એક લોનધારકને લોનની રકમના ૧૫ ટકા ચૂકવવાનો આદેશ કર્યો છે. લોનના હપ્તા ના ભરી શકતા ગ્રાહકની ગાડીને બેંક દ્વારા જપ્ત કરાઈ હતી. જોકે, તેને બેંકના અધિકારીઓએ અંગત વપરાશમાં લેવાની શરુ કરી દીધી હતી. જે દરમિયાન કારનો અકસ્માત થઈ જતાં ગાડીનો માલિક ગ્રાહક સુરક્ષા અદાલતમાં પહોંચ્યો હતો.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, તરુણ ભાટીયા નામના એક વ્યક્તિએ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી . લાખ રુપિયાની લોન લઈને એક ગાડી ખરીદી હતી. જોકે, તરુણે તેના હપ્તા ના ભર્યા હોવાથી ૧૧ માર્ચ ૨૦૨૦ના રોજ બેંકના અધિકારીઓ વિશાલ ઈટાલિયા, જ્યોર્જ ક્રિસ્ટી અને અભિલષ પ્રસાદ તેની ગેરહાજરીમાં ગાડીને ઉઠાવી લાવ્યા હતા.

ગાડી જપ્ત થયાના એક સપ્તાહમાં તરુણે લોનના જે કંઈ હપ્તા તેમજ અન્ય ચાર્જ બાકી હતા તેની ભરપાઈ કરીને પોતાની ગાડીનો કબજો માગ્યો હતો. ત્યારે બેંક દ્વારા તેને ગાડી વલસાડથી લઈ લેવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને અંકલેશ્વરમાં એક ગેરેજમાંથી ગાડી લઈ જવાનું કહેવાયું હતું.

દરમિયાન જ્યોર્જ ક્રિસ્ટીએ તરુણનો સંપર્ક કરી તેની ગાડીને અઢી લાખ રુપિયામાં ખરીદી લેવાની ઓફર કરી હતી. જોકે, તરુણને સોદો મંજૂર નહોતો. આખરે તે પોતાની ગાડી લેવા માટે બેંક દ્વારા જણાવાયેલા અંકલેશ્વરના ગેરેજ પર પહોંચ્યો હતો. જ્યાંથી તેને જાણવા મળ્યું હતું કે ક્રિસ્ટી ગાડીને દાહોદથી લઈને આવ્યો હતો, અને તેને અકસ્માત થતાં ગેરેજમાં લાવવામાં આવી હતી.

ગેરેજમાંથી પોતાની કાર લઈને તરુણ સુરત જવા નીકળ્યો ત્યારે ગાડી રસ્તામાં પનોલી નજીક બંધ થઈ ગઈ હતી. આખરે તેને સુરતના સર્વિસ સ્ટેશન સુધી ટૉ કરીને લઈ જવાની નોબત આવી હતી. તરુણે ગાડીના રિપેરિંગ માટે ૫૧ હજાર રુપિયાનો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ તેણે મામલે ગ્રાહક સુરક્ષા ફોરમના દરવાજા ખટખટાવી બેંકના કર્મચારીઓ વિશાલ ઈટાલિયા, અભિલાષ પ્રસાદ અને જ્યોર્જ ક્રિસ્ટી સામે ફરિયાદ કરી વળતર માગ્યું હતું.

ક્રિસ્ટી જપ્ત કરાયેલી ગાડીને ગેરકાયદે રીતે દાહોદ લઈને ગયો હોવાનો તરુણે કોર્ટમાં દાવો કર્યો હતો. તેણે પુરાવા તરીકે ટોલ પ્લાઝાનો રેકોર્ડ પણ રજૂ કર્યો હતો. તેણે કોર્ટમાં દલીલ કરી હતી કે પોતાની જપ્ત કરાયેલી ગાડીને બેંકના અધિકારીઓએ કયા આધાર પર ક્રિસ્ટીને આપી દીધી?

કાર લઈને ક્રિસ્ટી ગેરકાયદે રીતે અલગ-અલગ સ્થળોએ ફર્યો હતો અને તે દરમયિાન ગાડીને અકસ્માત પણ કર્યો હતો. તરુણની દલીલો તેમજ તેણે રજૂ કરેલા પુરાવાને માન્ય રાખીને કોર્ટે બેંકને તેણે રિપેરિંગમાં જે કંઈ ખર્ચ કર્યો છે તેને આઠ ટકા વ્યાજ સાથે ચૂકવવા ઉપરાંત ૧૭ હજાર રુપિયા વળતર તરીકે આપવા માટે પણ આદેશ કર્યો હતો.

(7:46 pm IST)