Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ગાંધીનગરના પાલોડીયા ગામમાં વેપારીના મકાનની બારીની ગ્રીલ તોડી તસ્કરોએ 64 હજારની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી ગઈ છે ત્યારે પાલોડીયા ગામમાં આવેલી વ્રજગોપી વસાહતમાં કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીના મકાનની બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશેલા તસ્કરો સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૬૪ હજારની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે સાંતેજ પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૃ કરી છે. 

છેલ્લા થોડા સમયથી ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે કલોલ તાલુકાના પાલોડીયા ગામે આવેલી વસાહતમાં ચોરીની ઘટના બનવા પામી છે. વ્રજગોપી વસાહતના મકાન નં.૧૯માં રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતાં પ્રીયેશ બળદેવભાઈ પટેલે ફરીયાદ આપી હતી કે ગઈકાલે રાત્રે તેઓ જમી પરવારીને મકાન બંધ કરી ઉપરના માળે સુવા માટે ગયા હતા. અને આજે વહેલી સવારે તેઓ નીચે આવતાં મકાનના ડ્રોઈંગરૃમના સોફા સહિતની ચીજવસ્તુઓ વેરણછેરણ હાલતમાં હતી. સોફા પાછળની બારીની ગ્રીલ તોડીને પ્રવેશ કરીને કોઈએ દરવાજો ખોલ્યો હતો. બેડરૃમમાં તપાસ કરતાં કબાટમાંથી રોકડસોનાચાંદીના દાગીના મળી ૬૪ હજાર રૃપિયાની મત્તા ચોરાઈ હોવાનું જણાયું હતું. જેના પગલે બાજુમાં મકાનમાં રહેતાં સંદીપભાઈના ઘરે લાગેલા સીસીટીવી ફુટેજ ચકાસતાં તસ્કરોએ ઘરની પાછળના એક કેમેરાને વાળી દીધો હતો જયારે દીવાલ કુદીને બે તસ્કરો પ્રવેશતા અન્ય કેમેરામાં કેદ થયા હતા. જેથી ઘટના સંદર્ભે સાંતેજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉેપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરી તસ્કરોને પકડવા માટે દોડધામ શરૃ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે હવે વધેલી ઘરફોડ ચોરીના પગલે પોલીસે હવે પેટ્રોલીંગ વધારવાની તાતી જરૃરીયાત જણાઈ રહી છે. 

(5:42 pm IST)