Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

વડોદરામાં હાઇટેક ગણાતી પોલીસનું ભોપાળુઃ 4 વર્ષથી ગેરેજમાં પડેલા વાહનનો ઇ-મેમો ઘરે આવતા વાહનમાલિક ચોંકી ગયા

વડોદરા: વડોદરામાં હાઈટેક ગણાતી પોલીસનું ભોપાળુ સામે આવ્યું છે. ગેરેજમાં પડી રહેલ ભંગાર વાહનનો ઇ-મેમો ફટકારાયો છે. 4 વર્ષથી એક્ટિવા ગેરેજમાં છતાં ઘરે ઇ-મેમો આવ્ય છે. ઈ-મેમો ઘરે આવતા વાહનમાલિક આશ્ચર્યમાં મૂકાયા છે. વાહનચાલકે ઇ-મેમો ખોટો ગણાવી રદ્દ કરવાની માંગ કરી છે.

સંદીપ પંચાલ શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહે છે. તેમનું એક્ટિવ ખરાબ થતા ચાર વર્ષથી ટાયર કાઢેલી હાલતમાં ગેરેજમાં પડ્યું છે. છતાં તેમના ઘરે આ એક્ટિવા માટે 17 જુનના રોજ મેમો મળ્યો છે. ફેમિલી બિઝનેસ સાથે સંકળાયેલા સંદીપ પંચાલ ઘરે ઈ-મેમો આવતા જ ચોંકી ગયા હતા.

ગુજરાતનું ટ્રાફિક વિભાગ હાઈટેક બન્યુ છે. શહેરોના રસ્તાઓ પર ટ્રાફિકના નિયમો તોડતા લોકોને સીસીટીવીના મારફતે દંડ ફટકારવામાં આવે છે. સીટી સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મોનીટરીંગ સિસ્ટમ દ્વારા નિયમો તોડતા લોકોને ઈ-મેમો ફટકારવામાં આવે છે. પરંતુ આ ટેકનોલોજી જ ક્યારેય એવી ભૂલો કરી બેસે છે, જે માનવામાં ન આવે. ભૂલભરેલા મેમો મોકલાઈ જાય છે.

જે ગાડીને કોઈએ ચાર વર્ષથી હાથ પણ અડાડ્યો નથી, તે ગાડી સીસીટીવી કેમેરામાં કેવી રીતે આવી અને કેવી રીતે તેનો ઈ-મેમો મોકલાયો. આ સમગ્ર મામલો તપાસનો વિષય છે. કોઇ એક જ નંબરની બીજી પ્લેટ બનાવીને વાહન ચલાવતું હોય તો પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરવી જોઈએ.

(4:55 pm IST)