Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સુરતના પલસાણામાં પોણા 4 ઇંચ-ડાંગના વધઇમાં 3 અને ખંભાતમાં 2 ઇંચ વરસાદ પડયોઃ બપોર સુધીમાં ગુજરાતના 38 તાલુકામાં વરસાદ વરસ્‍યો

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના પગલે આજે સવાર સુધીમાં ૩૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે સવારથી ૧૨ વાગ્યા દરમિયાન બે કલાકમાં ૩૮ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં પોણા ચાર ઇંચ વરસદ નોંધાયો, હતો જ્યારે ડાંગના વધઇમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખંભાતમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૪ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં હળવાથી મધ્યમ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. મંગળવારે સવારના સમયે ઉત્તર-પશ્ચિમી અરબી સમુદ્રમાં પણ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું. આગામી દિવસોમાં વરસાદ વધુ ને વધુ જોર પકડશે અને પવનની ઝડપ પણ સામાન્ય કરતાં વધુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં તા.૨૩ મી જૂન, ૨૦૨૧ ને બુધવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ ગરૂડેશ્વર તાલુકામાં-૦૫ મિ.મિ. અને સૌથી ઓછો દેડીયાપાડા-સાગબારા તાલુકામાં-૦૨ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના નાંદોદ અને તિલકવાડા તાલુકામાં વરસાદ નોંધાયો નથી. આમ, નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૯૫ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો  દેડીયાપાડા તાલુકો-૧૭૬ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે નાંદોદ તાલુકો -૧૦૦ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૮૭ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૫૮ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને સાગબારા તાલુકો-૫૩ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૧૫.૨૬ મીટર, કરજણ ડેમ-૧૦૨.૯ મીટર, નાના કાકડીઆંબા ડેમ-૧૭૯.૧૫ મીટર અને ચોપડવાવ ડેમ-૧૭૯.૮૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૫.૬૫ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

(4:53 pm IST)