Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ચોમાસુ ૨ જુલાઈ બાદ એકટીવ બનશેઃ એન.ડી. ઉકાણી

ગલ્ફના દેશોમાંથી આવતા ગરમ પવનો રાજસ્થાન, કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગો ઉપરથી પસાર થતાં હોય ચોમાસાની ગતિને બ્રેક મારે છે

રાજકોટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આ વર્ષે કટકે- કટકે આગળ વધી રહ્યું છે. હાલમાં પણ અસમંજસભરી સ્થિતિ છે. ગલ્ફના પ્રદેશોમાંથી ગરમ પવનો આવી રહ્યા હોય જે ચોમાસાને નબળુ પાડી દયે છે. પરંતુ ચિંતાવાળી કોઈ સ્થિતિ નથી. આગામી ૨ જુલાઈ બાદ સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં ચોમાસુ એકટીવ બની જશે. તેમ હવામાન ખાતાના પૂર્વ અધિકારી શ્રી એન.ડી.ઉકાણીએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેઓએ જણાવેલ કે ગલ્ફના દેશોમાંથી ગરમ અને સુકા પવન સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર આવે છે. જે ભેજવાળા અને મોસમી પવન સાથે ભળી જાય છે. આ ગરમ પવન રાજસ્થાન, કચ્છ અને સૌરાષ્ટ્રના થોડા ભાગો ઉપરથી પણ પસાર થાય છે. જે ચોમાસાને સક્રીય બનાવતું નથી. હાલ તેની જ અસરથી પંજાબ, હરીયાણા અને રાજસ્થાનમાં પણ વરસાદ નથી.

જો કે આવી પ્રક્રીયા લાંબો સમય રહેતી નથી. આગામી ૨ જુલાઈ બાદ ચોમાસુ સંપૂર્ણ રીતે સક્રીય બની જાય એવી પૂરેપૂરી શકયતા છે. સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં હાલ કોઈ- કોઈ દિવસે હળવો- ભારે વરસી જાય છે. આગામી દિવસોમાં પણ છુટોછવાયો વરસવાનું ચાલુ રહેશે. કોઈ- કોઈ સ્થળોએ એકથી દોઢ ઈંચ પણ વરસવાની શકયતા છે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે. બપોર બાદ હળવા ભારે ઝાપટાનો દોર ચાલુ છે.

(1:11 pm IST)