Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સોમવારે તમામ કલેકટરો-ડી.ડી.ઓ.ને સરકારનું તેડુઃ વહીવટી નવુ 'જોમ' ભરાશે

કોરોના કાળ અને વહીવટી તંત્રમાં ઉથલપાથલ પછી ગાંધીનગરમાં પ્રથમ કોન્ફરન્સઃ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ વગેરે આખો દિ' સમીક્ષા કરશે : ધારાસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઃ વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવા પ્રયાસઃ નવી યોજનાઓની સંભાવના

રાજકોટ તા. ર૪ :.. રાજય સરકારે તા. ર૮ સોમવારે તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને આખો દિવસની કોન્ફરન્સ માટે ગાંધીનગર બોલાવ્યાનું જાણવા મળે છે. કોરોના કાળ પછી વિડીયો કોન્ફરન્સ થતી રહેતી પણ રૂબરૂ કોન્ફરન્સ દોઢેક વર્ષ બાદ પ્રથમ વખત થઇ રહી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મુખ્ય સચિવ અનિલ મુકીમે, મહેસુલ મંત્રી કૌશિક પટેલ, મહેસુલ અગ્રસચિવ કમલ દયાની અને અન્ય અધિકારીઓ, માર્ગદર્શન આપશે. ધારાસભાની ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રમાં નવુ જોમ ભરવા માટે આ કોન્ફરન્સ બોલાવાયાનું માનવામાં આવે છે.

ગયા અઠવાડીએ જ કલેકટર, ડી. ડી. ઓ. ની બદલીનો ધાણવો નીકળેલ. નવા જિલ્લામાં ચાર્જ સંભાળાઇ ગયા છે. કોન્ફરન્સમાં જિલ્લાવાર કામગીરી અને સરકારી યોજનાઓની સમીક્ષા થશે. સરકાર દ્વારા અમૂક મહત્વના નિર્ણયો અને નવી યોજનાઓ જાહેર થવાની શકયતા નકારાતી નથી. કલેકટર, ડી. ડી. ઓ. અને વિભાગના મળી કુલ ૮૦ થી વધુ અધિકારીઓ ભાગ લેશે. જિલ્લા તંત્રના સૂચનના આધારે અમૂક કામગીરીમાં સુધારાની શકયતા પણ તપાસાશે.

ચૂંટણી વખતે સરકારની કામગીરી પ્રભાવશાળી દેખાય તે માટે જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શન આપવામાં આવશે. વહીવટી કામગીરીમાં ટેકનોલોજીની મદદથી ઝડપ વધારવા પ્રયાસ થશે. વહીવટી દ્રષ્ટિએ આ કોન્ફરન્સ ખૂબ મહત્વની ગણાય છે.

(11:40 am IST)