Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

માનહાની કેસમાં રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર : ૧૨મીએ વધુ સુનાવણી

મોદી અટક વિરૂધ્ધ કરેલી ટીપ્પણી બાદ ધારાસભ્યએ ફરીયાદ કરી હતી

સુરત તા. ૨૪ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે સુરત આવી પહોંચ્યા હતા. સુરતની કોર્ટમાં હાજરી આપવાની હોવાથી તેઓ સુરત ખાતે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કરેલી એક ટિપ્પણી બાદ સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ મોદી અટક વિરૂદ્ઘ કરેલી ટિપ્પણી બાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની વિરૂદ્ઘ ફરિયાદ દાખલ કરી હતી. રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી સીધા જ કોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેઓ આશરે એક કલાક સુધી કોર્ટમાં અંદર રહ્યા હતા. આ કેસમાં હવે આગામી સુનાવણી ૧૨મી જુલાઈના રોજ કરવામાં આવશે. કોર્ટે રાહુલ ગાંધીને આગામી સુનાવણીમાં હાજર રહેવામાંથી મુકિત આપી છે. આજે કોર્ટમાં રાહુલ ગાંધીનું નિવેદન લેવાયું હતું. આગામી સમયમાં હવે રાહુલ ગાંધી અને ફરિયાદીના વકીલો વચ્ચે દલીલો થશે. રાહુલ ગાંધીના વકીલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ કોઈ ભૂલ નથી કરી. આથી માફી માંગવાનો કોઈ સવાલ જ નથી.

રાહુલ ગાંધી સીધા જ સુરત ખાતે આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીને આવકારવા માટે અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ સુરત ખાતે હાજર હતા. એવી પણ ચર્ચા છે કે રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપ્યા બાદ કોંગ્રેસ નેતાઓ સાથે આગામી ચૂંટણીને લઈને ચર્ચા-વિચારણા પણ કરી શકે છે.

(4:35 pm IST)