Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

અરવલ્‍લીના મોડાસા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો : આરાધના, કેદારનાથ ચાર રસ્‍તાના માર્ગે પાણી ભરાયા

અરવલ્‍લી : રાજ્યભરમાં ચોમાસુ જ્યારે બરાબરનું જામી ગયું છે, ત્યારે અરવલ્લીના મોડાસા પંથકમાં ધોધમાર વરસાદ વરસી ગયો છે. આ સમગ્ર પંથકમાં વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. મોડાસા નગરમાં ધોધમાર વરસાદ ખાબકતા આરાધના, કેદારનાથ,ચાર રસ્તાના માર્ગો પર પાણી ભરાયા હતા.

મોડાસા સહિતના સબલપુર, આનંદપુરા, મહાદેવપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ જોરદાર મેઘ મહેર વરસી છે. જો કે સમગ્ર રાજયમાં ચોમાસુ બેસી ગયું છે, જેને લઈને મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. વરસાદની શરૂઆત થતાં જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે બાફરા બાદ વરસેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અને વરસાદી ઠંડકનો અનુભવ કર્યો હતો.

આ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થતાં ખેડૂતો ખુશ થયા હતા. સમગ્ર સિઝન દરમ્યાન સારા વરસાદની આશા રખાતા ખેડૂતો શરૂઆતમાં સારો વરસાદ વરસતા ખુશ થયા હતા. જો કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી સ્થાનિકોની મુશ્કેલીઓ વધી હતી.

(11:03 pm IST)