Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

દર ૧૦૦માં ૭૦ દિકરી ધો.૧૨ બાદ અભ્યાસ છોડવા મજબુર

ડ્રોપઆઉટ રેસીયોમાં દેશમાં ગુજરાતની ખરાબ સ્થિતી : રાજ્યમાં ભાજપ ૨૬ વર્ષથી સરકારમાં છે પણ ૨૬ વર્ષમાં એકપણ સરકારી યુનિ.ની સ્થાપના કરી નથી : મોઢવાડિયા

ગાંધીનગર, તા. ૨૩ : આપણા રાજ્ય ગ્રામ્ય વિસ્તારો અને તાલુકા સ્તરે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અભાવે ધોરણ-૧૨ બાદ દર ૧૦૦ માં ૭૦ દિકરીઓને ભણતર છોડી દેવાની ફરજ પડી રહી છે. આ અંગે કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં ભાજપ ૨૬ વર્ષથી સરકારમાં છે, પરંતુ ૨૬ વર્ષમાં એકપણ સરકારી યુનિવર્સિટીની સ્થાપના કરી નથી, દર વર્ષે પ્રવેશોત્સવ, ગુણોત્સવ અને કન્યા કેળવણીના નામે તાયફાઓ પણ કરે છે. પરંતુ તાલુકા સેન્ટરોમાં કોલેજ જેવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ બનાવી નથી. મોટા શહેરોમાં પોતાના મળતિયાઓની ખાનગી કોલેજો ધમધમી શકે તે માટે જાણી જોઈને સરકારી કોલેજો શરૂ કરવા જેવી જરૂરી બાબાતે આંખ આડા કાન કર્યા છે. જેના પાપે આપણી દિકરીઓ આગળનો અભ્યાસ કરી શકતી નથી. અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે ગ્રામ્ય વિસ્તારોમાં બાળકીઓના ધોરણ-૧૨ પછીના ડ્રોપઆઉટ રેસીયોમાં દેશમાં ગુજરાતની સૌથી ખરાબ સ્થિતી છે. કેરલમાં આ ડ્રોપ આઉટ રેસીયો માત્ર ૪.૪% છે, જમ્મુ-કાશ્મીરમાં ૨૦.૫%, મહારાષ્ટ્ર - ૩૩.૧%, કર્ણાટક - ૩૯.૬% છે. જ્યારે ગુજરાતમાં ગુજરાત - ૭૦.૮% જેટલો ઉંચો છે. અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતુ કે ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ બંધ કરી સરકારી શૈક્ષનિણ સંસ્થાઓની સંખ્યા અને શિક્ષણનું સ્તર સુધારવા ભાજપ સરકારને ઘર ભેગી કરવી પડશે.

ગ્રામ્યમાં બાળકીઓનો ડ્રોપઆઉટ રેસીયો.....

રાજ્ય........................................... રેસિયો (ટકામાં)

કેરલ.......................................................... ૪.૪%

જમ્મુ-કાશ્મીર........................................... ૨૦.૫%

મહારાષ્ટ્ર.................................................. ૩૩.૧%

કર્ણાટક.................................................... ૩૯.૬%

ગુજરાત................................................... ૭૦.૮%

(9:09 pm IST)