Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

સુરતની કેનેરા બેન્ક(સિન્ડીકેટ બેન્ક)માં પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરીઃ મહિલા કર્મચારી ઉપર હુમલો કરતા ખળભળાટ

બેન્કના સ્ટાફ સાથે કરેલી ગુંડાગીરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદઃ વિડીયો વાયરલઃ નાણામંત્રી સુધી પહોંચી વાતઃ પોલીસ કમિશ્નર પાસેથી વિગતો મેળવીઃ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થશે : બેન્ક યુનિયન લાલઘુમઃ ઘટનાને આકરા શબ્દોમાં વખોડીઃ આજે કર્મચારીઓ કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવશે

સુરત, તા. ૨૪ :. પોલીસના શીરે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવાનું હોય છે પરંતુ પોલીસ જ જ્યારે ભાન ભૂલી કાયદો અને વ્યવસ્થા હાથમાં લ્યે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેનો જીવતો જાગતો પુરાવો ગઈકાલે સુરતના સરોલી ખાતે આવેલી સિન્ડીકેટ બેન્ક (હવે કેનેરા બેન્ક)માં બનવા પામ્યો હતો. આ અંગે પોલીસમાં પણ ફરીયાદ થઈ છે અને નાણામંત્રી સુધી વાત પહોંચતા તેમણે પણ આ ઘટનાને વખોડી કાઢી છે. આ સામે બેન્ક યુનિયન પણ મેદાનમાં આવ્યુ છે અને આજે કાળી પટ્ટી પહેરી કામ કરી રહ્યા છે. આ ઘટનામાં પોલીસે સત્તામાં મદ થઈને બેન્કના મહિલા સ્ટાફ સાથે અણછાજતુ અને ઉદ્ધત વલણ કર્યુ હતુ કે જે સીસીટીવી કેમેરામાં પણ કેદ થયુ હતું. જેનો વિડીયો વાયરલ થતા દેશભરના બેન્ક કર્મચારીઓ ઉકળી ઉઠયા છે.

જાણવા મળતી વિગત અનુસાર ગઈકાલે આ બેન્કમાં એક પોલીસ કોન્સ્ટેબલે બેન્કમાં જેમફાવે તેમ બોલી મહિલા કર્મચારીનો મોબાઈલ ઝુંટવી તેને માર માર્યો હતો. આ અંગે પોલીસમાં પણ ફરીયાદ કરવામાં આવી છે. સરથાણાના ઘનશ્યામ નામના પોલીસ કોન્સ્ટેબલે આ બેન્કમાં ધસી જઈ દાદાગીરી શરૂ કરી હતી. તેઓ બેન્કમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયા હતા. પાસબુકને બદલે સ્ટેટમેન્ટ આપવાનું બેન્કના કર્મચારીએ જણાવતા તેનો પિત્તો ગયો હતો અને તેણે બેન્કમાં હંગામો મચાવી દીધો હતો. એટલુ જ નહિ કર્મચારીઓની મારપીટ પણ શરૂ કરી હતી. આ દરમિયાન બેન્કની એક મહિલા કર્મચારી આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરતા હતા ત્યારે આ કોન્સ્ટેબલે તેનો મોબાઈલ ઝુંટવી લીધો હતો અને મહિલા કર્મચારીને પણ માર માર્યો હતો. ઈજાગ્રસ્ત મહિલાને તત્કાલ હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી. તેમને ડોકટરોેએ ૧૦ દિવસ આરામની સલાહ આપી છે. તેમને ફ્રેકચર થયુ હોવાનું ડોકટરે જણાવ્યુ છે. તે પછી આ અંગે પોલીસમાં ફરીયાદ કરવામાં આવી હતી.

દરમિયાન આ ઘટનાનો વિડીયો વાયરલ થતા અને તેના પડઘા પડતા નાણામંત્રી સીતારામન પણ ઉકળી ઉઠયા હતા. તેમણે જણાવ્યુ હતુ કે મેં સુરતના પોલીસ કમિશ્નર બ્રહ્મભટ્ટ સાથે વાત કરી છે. તેમણે ખાત્રી આપી છે કે તેઓ બ્રાન્ચે જઈ કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરશે. તેમણે એવી પણ ખાત્રી આપી હતી કે બેન્કમાં હંગામો મચાવનાર કોન્સ્ટેબલને તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવશે.

આ બાબતે એઆઈબીઈએના મહામંત્રી વેંકટાચલમે પણ આ ઘટનાને વખોડી કાઢી છે અને બેન્કમાં મહિલા કર્મચારીની સુરક્ષા અને માનસન્માન જળવાય તેવી માંગણી કરી છે. તેમણે માંગણી કરી છે કે સ્ટાફની સલામતી માટે દરેક શાખામાં સુરક્ષા ગાર્ડ તૈનાત કરવા જોઈએ.

દરમિયાન ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી. અંતાણીએ અને પ્રમુખ નરેન્દ્ર દવેએ આ હુમલાના વિરોધમાં ગુજરાતના તમામ બેન્ક કર્મચારીઓને આજે કાળી પટ્ટી પહેરી કામ કરવા અનુરોધ કર્યો છે. તેઓએ આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે.

(11:50 am IST)