Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

સિવિલમાં હોમોડાયાલિસીસ વિભાગને આધુનિક બનાવાયો

કિડની-ડાયાલિસીસના દર્દીઓ માટે મોટી રાહત : રોજના સેકડોં દર્દીઓને ડાયાલિસીસની સારવારનો લાભ

અમદાવાદ,તા. ૨૪ :  સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આઇ.કે.ડી.આર.સી. સંચાલિત નવો હોમોડાયાલિસીસ વિભાગ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ શ્રી ડો. એમ.એમ.પ્રભાકર અને આઇ.કે.ડી.આર.સી. ડાયરેકટર શ્રી વિનીત મિશ્રાના હસ્તે શરૂ કરવામાં આવ્યો હતો. વધુ અત્યાધુનિક અને સધાનસુવિધાથી સજ્જ બનાવાયેલા એવા આ હોમોડાયાલિસીસ વિભાગના કારણ હવે કિડની અને ડાયાલિસીસના દર્દીઓ માટે બહુ મોટી રાહત થઇ છે. મા અમૃતમ્ સહિતની યોજનાઓ હેઠળ સિવિલ હોસ્પિટલના આ નવા હોમોડાયાલિસીસ વિભાગમાં દર્દીઓને વિનામૂલ્યે જયાં સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ ના થાય ત્યાં સુધી ડાયાલિસીસની ફ્રી સારવાર ઉપલબ્ધ બનશે. આ નવા હોમોડાયાલિસીસ વિભાગમાં હવે ૧૫૦ જેટલા દર્દીઓને ડાયાલિસીસની સારવારનો લાભ મળી શકશે, જે નોંધનીય વાત કહી શકાય એમ અત્રે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં આઇ.કે.ડી.આર.સી. દ્વારા ચાલતા ડાયાલિસીસ સેન્ટરમાં હાલ ૮૫ દર્દીઓના ડાયાલિસીસ થાય છે. જેમા ટ્રોમા સેન્ટર ખાતે શરૂ કરવામાં આવેલ આ નવા હોમોડાયાલિસીસ સેન્ટર શરૂ થવાથી હવે વધુ ૫૦ દર્દીઓને ડાયાલિસીસની સેવાનો લાભ મળશે. આ નવા અને અત્યાધુનિક સાધન-સુવિધાથી તૈયાર થયેલા વિભાગમાં નિયમીત પણે નેફ્રોલોજીસ્ટની વિઝિટ કરવામાં આવશે. એટલું જ નહી, દર્દીઓની સારવાર વધુ ચોકસાઇભરી અને કાળજીભરી થઇ શકે તે હેતુથી ડાયાલિસીસમાં વપરાતા ડાયાલાઇઝર કિટ સીંગલ યુઝ કરવામાં આવશે. સાથે સાથે આઇકેડીઆરસીના ડાયરેકટર ડો.વિનીત મિશ્રાના વડપણ હેઠળ અનુભવી ટેકનીકલ સ્ટાફ ધ્વારા દર્દીઓની ઉત્તમ સારવાર અને કાઉન્સેલીંગ કરવામાં આવશે. ડો.એમ.એમ.પ્રભાકરે ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે કિડની ફેઇલ કે કિડનીમાં ગંભીર નુકસાન કે ઇજા થઇ હોય તેવા દર્દીઓ માટે ડાયાલિસીસ કરાવવુ જરૂરી હોય છે અને જયાં સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ ના થાય ત્યાં સુધી તેમને ડાયાલિસીસ કરાવવાની ફરજ પડે છે ત્યારે તેવા સંજોગોમાં આવા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલનો આ અત્યાધુનિક હોમોડાયાલિસીસ વિભાગ આશીર્વાદ સમાન બની રહેશે કારણ કે, અહીં દર્દીઓ મા અમૃતમ સહિતની યોજનાઓ હેઠળ બિલકુલ વિનામૂલ્યે ડાયાલિસીસની ફ્રી સારવાર મેળવી શકશે. સામાન્ય રીતે ડાયાલિસીસ લાંબો સમય કરવું પડે તેમ હોય ત્યારે તે દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ખર્ચાળ અને આફત સમાન બની રહે છે કારણ કે, ખાનગી સેન્ટરોમાં એક વખતનું ડાયાલિસીસ રૂ.૧૫૦૦થી બે હજાર કે તેથી પણ વધુના ખર્ચે થતું હોય છે. જો દર્દીઓને લાંબા સમય સુધી ડાયાલિસીસ કરવાનું થાય ત્યારે તેવી પરિસ્થિતિમાં આ ખર્ચા અને આર્થિક બોજો પરિવારને પણ તોડી નાંખતા હોય છે ત્યારે તેવા સંજોગોમાં આવા દર્દીઓને બિલકુલ મફતમાં આ સારવાર ઉપલબ્ધ બનશે તે નોંધનીય વાત કહી શકાય.

         દર્દીઓ માટે લેવાતી કાળજી અને સારવારની ચોકસાઇ વિશે ડો.એમ.એમ.પ્રભાકરે ઉમેર્યું કે, નવા હોમોડાયાલિસીસ વિભાગમાં ડાયાલિસીસ કીટ અને ફિલ્ટર એક જ વખત યુઝ થાય તે પ્રકારે ડિસ્પોઝેબલ સાધનો વાપરવામાં આવે છે કે જેથી કોઇ એક દર્દીના ઇન્ફેકશન બીજા દર્દીને ના લાગે. આ સાથે દર્દીઓને નિષ્ણાતો દ્વારા ઉપયોગી અને મહત્વનું કાઉન્સેલીંગ પણ વિનામૂલ્યે જ પૂરું પાડવામાં આવશે.

(9:37 pm IST)