Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

વિનીતા બોહરા દ્વારા કેસમાં મુકિત મેળવવા અરજી થઈ

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની જીતને પડકારતી અરજીમાં ઘટનાક્રમ : ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ સીબી ઉપાધ્યાયે પણ કેસથી રાજીનામું આપ્યું, કાલે કેસની સુનાવણી હાથ ધરાય તેવી સંભાવના

અમદાવાદ,તા. ૨૪ :     ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની રિટ અરજીને પડકારતી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં વધુ એક મહત્વનું ડેવલપમેન્ટ સામે આવ્યું છે. આ કેસમાં તત્કાલીન ચૂંટણી નીરીક્ષક(ઓર્બ્ઝર્વર) આઇએએસ ઓફિસર વિનીતા બોહરાએ કેસમાં મુકત થવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવામાં આવી છે. જેની પર આવતીકાલે સુનાવણી હાથ ધરાય તેવી શકયતા છે. બીજીબાજુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ સી.બી.ઉપાધ્યાયે પણ અગાઉ કેસમાંથી રાજીનામું આપી દીધુ હતુ અને તે અગાઉ ચુડાસમા તરફથી સિનિયર કાઉન્સેલ શાલીન મહેતાએ પણ રાજીનામું આપી દીધુ હતું. હવે ચુડાસમા તરફથી કોણ અપીઅર થાય છે તે પણ જોવાનું રસપ્રદ રહેશે. તત્કાલીન ચૂંટણી નીરીક્ષક(ઓર્બ્ઝર્વર) આઇએએસ ઓફિસર વિનીતા બોહરાએ કરેલી અરજીમાં એવા મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે, તેઓ આ કેસમાં ફોર્મલ પાર્ટી છે અને તેમની વિરૂધ્ધ કોઇ ગંભીર આક્ષેપો નથી ત્યારે કોર્ટે તેઓને આ કેસમાંથી મુકત કરવા જોઇએ અને યોગ્ય રાહત આપવી જોઇએ. અગાઉ આ મહત્વપૂર્ણ કેસની સુનાવણીમાં જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે રાજય ચૂંટણી પંચ, તત્કાલીન ચૂંટણી નીરીક્ષક(ઓર્બ્ઝર્વર) વિનીતા બોહરા અને ચૂંટણી રિટર્નીંગ ઓફિસર ધવલ જાની વિરૂદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી હતી અને હાઇકોર્ટ સમક્ષ થયેલી જુબાની દરમ્યાન કેટલીક બાબતોમાં ગેરરીતિ થયાનું ધ્યાન પર આવ્યું હતું, જેને લઇ જસ્ટિસ ઉપાધ્યાયે મહત્વના નીરીક્ષણ અને અવલોકન પણ કર્યા હતા. જેને પગલે ચૂંટણી પંચ દ્વારા હાઇકોર્ટ સમક્ષ આ બંને અધિકારીઓ વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. અગાઉ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી કોગ્રેસના ઉમદેવાર અશ્વિન રાઠોડ દ્વારા કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ શાર્વિલ પી. મજમુદારે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ધોળકા બેઠક પરથી ૩૨૭ મતે વિજય થયો હતો. આ ચૂંટણી દરમ્યાન ઘણી બાબતોમાં ગેરરીતિ સામે આવી હતી. જેમાં ખુદ ચૂંટણી રિટર્નીંગ ઓફિસર ધવલ જાની અને ચૂંટણી નીરીક્ષક(ઓર્બ્ઝર્વર) વિનીતા બોહરાની ભૂમિકા શંકાસ્પદ હોવાના આક્ષેપ થયા હતા. રિટર્નીંગ ઓફિસરે ખોટી રીતે પોસ્ટલ બેલેટના ૪૨૭ મતો રદબાતલ ઠરાવ્યા હતા. એટલું જ નહી, ચૂંટણી દરમ્યાન મોબાઇલ પ્રતિબંધિત હોવાછતાં ખુદ ચૂંટણી અધિકારી મોબાઇલ પર વાત કરતાં નજરે પડતા હતા. કેટલાક પોલીંગ બુથમાં મતો હોવાછતાં તેને ધ્યાનમાં લેવાયા ન હતા. સમગ્ર ચૂંટણી દરમ્યાન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાઓનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હતું. જેને પગલે ભાજપના ઉમેદવાર ચુડાસમા ખોટી રીતે વિજયી જાહેર થયા હતા. વાસ્તવમાં, ધોળકા બેઠક પર ૧,૫૯,૯૪૬ મત પડ્યા હતા જ્યારે, મત ગણતરીમાં ૧,૫૯,૯૧૭ મત જ ગણતરીમાં લેવામાં આવ્યા હતા. આમ, ચુડાસમા ખોટી રીતે ચૂંટાયેલા જાહેર થયા હતા. જો પોસ્ટલ બેલેટ અને ઇવીએમમાં પડેલા અને ગણતરીમાં નહી લીધેલા મતો ગણતરીમાં લેવામાં આવે તો અરજદાર જીતી શકે તેમ છે. તેથી હાઇકોર્ટે આ ચૂંટણીમાં રિકાઉન્ટીંગનો હુકમ કરી જો અરજદાર જીતે તેમ હોય તો તેમને વિજેતા જાહેર કરવા જોઇએ.

(8:16 pm IST)