Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

સુરતમાં ૨૦૨૦માં નવ ટાવર તૈયાર થશેઃ બુર્જ ખલીફાનો રેકોર્ડ તોડશે

સુરત :દુનિયાના સૌથી સારા 11 હીરા પૈકી નવ હીરા પર કટિંગ અને પોલિશિંગનું કામ સુરતમાં કરવામાં આવે છે, જોકે હવે એ દિવસો દૂર નથી કે સુરતમાં હીરાનું ખરીદ-વેચાણ પણ કરવામાં આવશે. જી હાં, સુરતમાં 2600 કરોડથી વધુના ખર્ચે સુરત ડાયમંડ બુર્સનું કામ ચાલી રહ્યું છે, જે આગામી વર્ષે 2020માં તેના નવ ટાવર તૈયાર થઇ જશે. ત્યાર બાદ અનેક દેશોના વેપારીઓ હીરાની ખરીદ-વેચાણ કરવા સુરત આવશે. સુરત ડાયમંડ બુર્સના હોદ્દેદારો પ્રયાસ કરી રહ્યા છે, કે બુર્સના ઉદ્દઘાટન કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહીત રશિયા સહિતના દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ હાજર રહે.

સુરતના હીરાની ચમક દેશ અને દુનિયામાં જાણીતી છે. એવું કહેવાય છે કે દુનિયાની અલગ અલગ ખાણમાંથી નીકળતાં સારી કક્ષાના આગિયાર હીરા પૈકી નવ હીરા પર કટિંગ અને પોલિશિંગનું કામ સુરતના રત્નકલાકારો દ્વારા કરવામાં આવે છે. આમ સુરત એક હીરાના કટિંગ અને પોલિશિંગનું હબ ગણાય છે. મુંબઈમાં આવેલા બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ ખાતે દેશના હીરા ઉદ્યોગકારો હીરાની ખરીદ-વેચાણનું કામ કરી રહ્યા છે, જોકે કેટલાક ગુજરાતી ઉદ્યોગકારોએ મુંબઈથી સુરત તરફ આવવાનું નક્કી કર્યું અને અહીં મોટા પાયે હીરાની ખરીદી અને વેચાણનું હબ બનાવવાનું નક્કી કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને સુરતના ખજોદ વિસ્તારમાં સુરત ડાયમંડ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

5મી ડિસેમ્બર 2017થી ડાયમંડ બુર્સનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ સુરત ડાયમંડ બુર્સનું વર્ષ 2020 સુધી નિર્માણ થઈ જશે. જેના માટે 6000 કારીગરો, હાલમાં 9 મહાકાય ક્રેઈનની મદદથી બિલ્ડિંગનું બાંધકામ કરી રહ્યા છે. દરરોજ 10 હજારથી વધુ સિમેન્ટના બેગના વપરાશથી ચાલી રહેલા બાંધકામના કારણે કુલ 9 પૈકી 5 ટાવરનું કોંક્રિટનું ફ્રેઈમ વર્ક સંપૂર્ણ થઈ ગયું છે. ડાયમંડ બુર્સના કોર કમિટીના સભ્ય મથુર સવાણીએ કહ્યું હતું કે, 2600 કરોડના અંદાજથી બની રહેલા પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધી 1200 કરોડથી વધુનો ખર્ચ થયો છે. કુલ 42 હજાર ટનથી વધુના સ્ટીલના ઉપયોગથી તૈયાર થનારા આ મેગા સ્ટ્રક્ચરમાં 36 હજાર ટનથી વધુ સ્ટીલનો વપરાશ થયો છે. જ્યારે રોજ 10 હજારથી

પણ વધુ સિમેન્ટ બેગના ઉપયોગ થઇ રહ્યો છે. સુરત ડાયમંડ બુર્સનું કામ 564 દિવસથી સતત ચાલી રહ્યું છે તેવું બુર્સના કોર કમિટીના મેમ્બર મથુર સવાણીએ જણાવ્યું.

ડાયમંડ બુર્સની ખાસયિત

જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે અહીં 10 હજારથી વધુ ટુ વ્હીલર અને 4500થી વધુ ફોર વ્હીલર પાર્ક કરી શકાય તેવી પાર્કિગ વ્યવસ્થા રહેશે.

15 એકરને ગ્રીન એરિયા તરીકે ડેવલોપ કરવામાં આવશે. તમામ લેન્ડસ્કેપ પંચ તત્વ થીમ પર ડિઝાઈન કરવામાં આવશે.

ટાવર વચ્ચેની 3 વીઘા જગ્યામાં લેન્ડસ્કેપીંગ ડિઝાઈન, 4200થી વધુ ઓફિસને વ્યુ મળી શકશે.

દરેક ઓફિસમાં તિજોરીનો લોડ ગણીને બિલ્ડીંગની ડિઝાઈનને આકાર અપાયો છે. અત્યાર સુધી આવું એક પણ કોમર્શિયલ પ્રોજેક્ટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું નથી.

9 ટાવરની હાઈટ વધવાની સાથે તમામ એકબીજા સાથે જોડાયેલા હશે, જેના કારણે અન્ય સામાન્ય પ્રોજેક્ટની સરખામણીએ આ પ્રોજેક્ટમાં કોંક્રિટ અને સિમેન્ટનો વધુ ઉપયોગ થયો છે.

અમેરિકાના પેન્ટાગોન કરતાં પણ વધુ 66 લાખ ચોરસ ફૂટમાં ડાયમંડ બુર્સનું નિર્માણ થશે.

બિલ્ડીંગમાં કુલ 128 ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ મૂકવામાં આવશે.

સૌથી મોટા ઓફિસ હબનો રેકોર્ડ તોડશે ડાયમંડ બુર્સ

ક્ષેત્રફળ માટે જોવા જઇએ તો સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ઓફિસ હબ રહેશે. આ રેકોર્ડ અત્યાર સુધી શિકાગોના વિલિસ ટાવર પાસે હતો. જેનું ક્ષેત્રફળ 4,16,000 ચોરસ મીટર છે. જો વિશ્વની સૌથી મોટી ઇમારત બુર્જ ખલીફાની વાત થશે તો તે પણ બુર્સથી પાછળ રહી જશે. સુરત ડાયમંડ બુર્સનાં ડ્રીમ સિટીમાં હીરા વેપારીની સાથે અન્ય નાગરિકો માટે રહેવાની સુવિધા તેમજ આવાસ કોલોનીને બનાવવામાં આવશે. સ્કુલ, હોસ્પિટલ અને હોટલ માટે પણ જગ્યા હશે. સાથે જ મેટ્રો અને બીઆરટીએસ સાથે પણ જોડવામાં આવશે, જેથી ઝડપથી લોકો અહીં પહોંચી શકે. આમ ખરા અર્થમાં સુરત આર્થિક ગ્રોથ એન્જિન બનશે.

હાલમાં વાર્ષિક 1.50 લાખ કરોડનો સુરતના હીરા ઉદ્યોગનો એક્સપોર્ટ છે. સુરત ડાયમંડ બુર્સના બની ગયા પછી આ આંકડો વધી જશે. ત્યાં જ ખરીદ-વેચાણમાં ફાયદો થશે. આ પ્રોજેક્ટ શરૂ કરવાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ જાય છે, જેથી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. સાથે જ રશિયા, ચીન સહિતના દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ હાજર રહે તેવી શક્યતા છે.

(5:01 pm IST)
  • જુલાઈના પ્રારંભે દિલ્હીમાં ચોમાસુ જામશેઃ આજે છુટોછવાયોઃ દિલ્હીમાં આજે છુટોછવાયો વરસાદ પડશે જયારે ભારે વરસાદ માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે તેમ સ્કાયમેટ જણાવે છે : દિલ્હીમાં આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે access_time 11:41 am IST

  • સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ ગોંડલ પંથકના રામોદ, મોવીયા, દેરડીમાં ભારે પવન સાથે વરસાદ : અમરેલીના બાબરામાં ધરાઈ અને લાઠી પંથકમાં પણ વરસાદ શરૂ : સાવરકુંડલા અને કુંકાવાવ પંથક પણ વરસાદથી રાજીના રેડ : ભાવનગરમાં ધોળા જંકશન, ઉમરાળામાં ગાજવીજ સાથે વરસાદ : સાબરકાંઠા પંથકમાં પણ વરસાદ access_time 5:41 pm IST

  • રાજયમાં અનેક જિલ્લામાં મેઘસવારીઃ રવલ્લી,દાહોદ અને કચ્છ જિલ્લામાં વરસાદ અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અન અમલાઇમાં ભારે વરસાદઃ દાહોદ, ઝાલોદ અને લિમડીમાં અને કચ્છના નખત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ access_time 5:45 pm IST