Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

GSTએ ૧.૧૦ લાખ વેપારીને નોટિસ ફટકારી

નોટિસ મળતાંની સાથે જ વેપારીઓએ બાકી જીએસટી ચૂકવવાનું શરૂ કર્યુઃ અધિકારીઓને વધુ સત્તા મળતાં ડિફોલ્ટરો દોડતા થઇ ગયા

અમદાવાદ તા. ર૪ :.. ગુજરાતમાં નોંધાયેલા નવ લાખથી વધુ વેપારીઓ પૈકી ઘણા વેપારીઓ બાકી જીએસટી ચૂકવતા નથી, ઘણાના રિટર્નમાં મોટા તફાવત આવી રહ્યા છે, તેને પગલે આવા વેપારીઓ પાસેથી જીએસટીની વસુલાત માટે અધિકારીઓ એકશનમાં એવી ગયા છે. તેમાંય વળી સુપ્રીમ કોર્ટે અધિકારીઓને વધુ પાવર અપાતાં વેપારીઓની મુશ્કેલી વધી ગઇ છે. સ્ટેટ જીએસટીએ બાકી વસુલાત માટે ૧ લાખ ૧૦ હજાર વેપારીઓને નોટીસ આપી છે. જેમાં ૭પ હજાર ડિફોલ્ટરો છે. નોટીસ મળતાં જ વેપારીઓએ બાકી ચૂકવણી શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં પણ ઓપરેશન વસુલાત યથાવત રહેશે.

જીએસટીના અમલ સાથે જ જીએસટી ચોરી શરૂ થઇ ગઇ છે. વેટનો કાયદો હતો ત્યારથી ઘણાં વેપારીઓ સરકારી વેરો ચુકવતા જ નથી. કાયદો બદલાઇને જીએસટી થયો અને અમલ શરૂ થયો છતાં આવા રીઢા વેપારીઓ જીએસટી ચુકવતા જ નથી. આવા રીઢ ડીફોલ્ટરોને પાઠ ભણાવા માટે સ્ટેટ જીએસટીના અધિકારીઓ એકશન પ્લાન ઘડયો છે.

વર્ષની શરૂઆતથી ડીપાર્ટમેન્ટ દ્વારા નોંધાયેલા વેપારીઓ પૈકી જેઓ જીએસટી રિટર્ન ફાઇલ કરતા જ નથી તેવા ૩૦૩૦૪ વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે. જેને પગલે મોટી સંખ્યામાં વેપારીઓ જીએસટી ભરવા માટે દોડતા થઇ ગયા છે.

આ ઉપરાંત જીએસટીઆર ૩-બી અને જીએસટીઆર ૧ બી માં રૂ. પાંચ લાખ કે તેથી વધુનો તફાવત હોય એટલે કે ખરીદ વેચાણના રીટર્નમાં મોટો તફાવત હોય તેવા કુલ ર૬પ૪ વેપારીઓને, ઇ-વે-બિલ અને જીએસટીઆર ૩-બી માં રૂ. એક લાખ કે તેથી વધુ તફાવત હોય તેવા ૧૬૬૧ વેપારીઓને અને જીએસટીઆર ૩-બી ફાઇલ જ ન કરતા હોય તેવા ૬૩ હજાર વેપારીઓને નોટીસ ફટકારાઇ છે. જયારે ખોટી રીતે ઇનપુટ ટેકસ ક્રેડિટ લીધી હોય તેવા ૧પ૬પ૧ વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

અધિકારીઓ દ્વારા જૂદા જૂદી કેટેગરીમાં ૧ લાખ ૧૦ હજાર વેપારીઓને બાકી જીએસટી ચુકવવા માટે નોટીસ ફટકારાઇ છે. સુપ્રિમ કોર્ટે તાજેતરમાં જ ડીફોલ્ટરોને આગોતરા જામીન ન આપવા કે કોઇ સુવિધા પણ ન આપવાનો આદેશ કર્યો છે. જીએસટી અધિકારીઓને ડિફોલ્ટરો સામે કોઇપણ ફરીયાદ વગર તેમની ધરપકડ કરવાની સત્તા આપતાં રાજયના ૭પ હજાર ડિફોલ્ટરો દોડતા થઇ ગયા છે. સુપ્રીમ કોર્ટના આદેશ અને અધિકારીઓની નોટીસને પગલે બાકી વસુલાતમાં મોટી રીકવરી થઇ રહી છે.

બોગસ બિલિંગ કૌભાંડના મુળમાં જવા રજિસ્ટર્ડ  કંપનીના આઇપી એડ્રેસની તપાસ થશે!

ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડનો આંક ૧૦ હજાર કરોડ સુધી પહોંચી ગયો છે. કૌભાંડ સામે આવે છે પરંતુ તેના માસ્ટર માઇન્ડ સુધી પહોંચી શકાતું નથી. જેના પગલે હવે અધિકારીઓએ બોગસ બિલીંગ જે કોમ્પ્યુટરમાંથી જનરેટ થયા હોય તેના આઇપી એડ્રેસની તપાસ શરૂ કરી દીધી છે. જેને આધારે કૌભાંડ અને કૌભાંડીઓના મુળ સુધી પહોંચી શકાશે. આ ઉપરાંત ઇ-વે   બિલ કૌભાંડ ઉપર પણ રોક લગાવવા માટે વાહનોને જીપીએ થી ટ્રેક કરવાની શરૂઆત કરાશે તેમ જીએસટી અધિકારીઓ જણાવી રહ્યા છે.

(11:51 am IST)