Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

'વાયુ' વાવાઝોડાએ કેસર કેરીની પથારી ફેરવીઃ લાખો કિલોનું નુકશાનઃ સીઝન ટુંકી રહી

૩૫ ટકા પાક નષ્ટ થઇ ગયોઃ વેપારીઓ-કેરી પ્રેમીઓ નિરાશ

અમદાવાદ, તા.૨૪: વાયુ વાવાઝોડાના કારણે કેરીની સીઝન વધારે ચાલી નહીં, જેના કારણે કેટલાક કેરી પ્રેમીઓ નિરાશ છે.

૨૦૧૮માં કેરીની સીઝન વધારે સારી નહોતી, માર્કેટમાં ૧૦ કિલોના ૮.૩ લાખ કેરીના બોકસનું વેચાણ થયું હતું. આ વર્ષે ૯ લાખ જેટલા કેસર કેરીના બોકસ માર્કેટ આવે તેવી શકયતા હતી જેની સામે માત્ર ૭.૭ લાખ બોકસનું વેચાણ થયું હતું. વાયુ વાવાઝોડું એક મોટી આફત સાબિત થયુંલૃ, તેમ તલાલા એગ્રીકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટીના સેક્રેટરી એસ.એસ. જાંસરિયાએ જણાવ્યું.

એક અનુમાન પ્રમાણે વાયુના કારણે ૧૨,૧૩ અને ૧૪મી જૂને સૌરાષ્ટ્રભરમાં પડેલા ભારે વરસાદે ૧ લાખ કેરીના બોકસ એટલે કે ૧૦ લાખ કિલો પાકી કેસર કેરીના જથ્થાને નુકસાન પહોંચાડ્યું હતું. કેસર કેરી માટે સૌથી મોટું માર્કેટ ધરાવતા તલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના કુલ ૭.૭ લાખ બોકસનું વેંચાણ થયું હતું. જૂન પણ કેસર કેરી માટે એક સારો મહિનો હોય છે કારણ કે ત્યારે કેરી ઝાડ પર જ સરસ રીતે પાકી જાય છે. પરંતુ આ વખતે તેની સંખ્યા વધારે નહોતી. તલાલા એપીએમસી દર વર્ષે ૨૫ જૂન સુધી કેરીનું વેચાણ થાય છે.

તલાલાના કેસર કેરીના મુખ્ય વેપારી મનસુખ પરમારે કહ્યું કે અત્યંત ઠંડો પવન મોરને અસર કરતો હોવા છતાં આ સીઝનમાં વધારે સારો પાક થવાની આશા હતી. શ્નવાયુ એક મોટી આફત હતી કારણ કે ઝાડ પર પાકનારી કેરીનો ૩૫ ટકા પાક નષ્ટ થઈ ગયો હતો.

જે મહિનામાં સૌથી વધારે કેરી આવે છે તેમાં જ ઓછી સીઝન જોવા મળતાં કેરી પ્રેમીઓમાં થોડી નિરાશા છે. કેસર કેરી માટેનો સૌથી સારો સમય ૧૦ જૂન પછીનો છે જયારે ઝાડ પર પાકેલી કેરી માર્કેટમાં આવે છે. પરંતુ આ વખતે વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું, જે સારી રીતે પાકેલી નહોતી અને સ્વાદમાં ખાટી હતી, તેમ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા સીનિયર એકિઝકયુટિવ ભરત ભટ્ટે કહ્યું. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા લલિતા પટેલ નામના ગૃહિણીએ કહ્યું કે, આ વર્ષે કેસર કેરીનો સારો પાક અમને મળ્યો નથી.

(11:45 am IST)