Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

અમદાવાદના નવરંગપુરાના બંગલામાંદારૂ અને બિયરની મહેફીલ માણતા ચાર નબીરા ઝડપાયા

વિદેશી દારુની 2 બોટલ સહિત 18 બિયરની બોટલનો જથ્થો કબ્જે:એક શખ્સનું બીપી લો થતા 108 એમ્બયુલન્સ બોલાવી પડી

અમદાવાદ: અમદાવાદના નવરંગપુરાના એક બંગલામાં દારૂની મહેફિલ માણતા ચાર નબીરા ઝડપાયા છે આ શખ્સો પાસેથી વિદેશી દારુની 2 બોટલ સહિત 18 બિયરની બોટલનો જથ્થો પોલીસે કબ્જે કરી ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

  આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદના નવરંગપુરા કોમર્સ છ રસ્તા પાસે ઈશ્વરભુવન નજીક મોતીલાલ પાર્ક સોસાયટીમાં ચાલતી દારુની મહેફીલમાં નવરંગપુરા પોલીસે દરોડો પાડી મોતીલાલ પાર્ક સોસાયટીના બંગલા નંબર 4માં તપાસ કરતા પ્રિયાંક પ્રકાશભાઈ પટેલ, આનંદ લક્ષ્મણભાઈ ઉજવને, વિશાલ નિરંજન ખોપકર અને વિરલ ઝવેરભાઈ સોની એમ ચાર શખ્સો વિદેશી દારુની બોટલ સાથે દારુની મજા માણી રહ્યાં હતા.

  દરમિયાન તપાસ કરતા તેમની પાસેથી 18 નંગ બિયરની બોટલ પણ મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા પ્રિયાંક પટેલ મોતીલાલ પાર્ક બંગલા નં 4માં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.આ ચારેય શખ્સોમાંથી પ્રિયાંક અને વિરલ અમદાવાદના છે જ્યારે આનંદ અને વિશાલ મુંબઈના રહેવાસી હોવાનું પોલીસને ધ્યાને આવ્યું છે. જ્યારે પ્રિયાંકનો એક ભાઈ અમેરિકા રહેતો હોવાનું પણ સામે આવ્યું છે.

હાલ નવરંગપુરા પોલીસે આ ચારેય શખ્સોની સઘન પુછપરછ શરુ કરી છે. તેઓ દારુની મહેફીલ માણી રહ્યાં હતા તે વિદેશી દારુની બોટલ અને બિયરની બોટલ ક્યાંથી લાવ્યા હતા અને અગાઉ તેઓનું કોઈ ગુનાહિત બેકગ્રાઉન્ડ છે કે કેમ તે તમામ વિગતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(8:34 am IST)