Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

પહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા

વરસાદી માહોલ વચ્ચે સર્પ બહાર નીકળતાં ફફડાટ : બોપલ, ગોતા અને સાયન્સ સીટી વિસ્તારમાં ઝેરી કોબ્રા સાપ જોવા મળ્યો તો, નરોડામાં ધામણ અને ડેંડવા દેખાયા

અમદાવાદ,તા.૨૪ : અમદાવાદ શહેરમાં આજે ભારે વરસાદના કારણે એકબાજુ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને નીચાણવાળા પૂર્વ વિસ્તારની સોસાયટીઓ-દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા તો બીજીબાજુ, શહેરના બોપલ, ગોતા, સાયન્સ સીટી અને નરોડા સહિતના કેટલાક વિસ્તારોમાં ઝેરી કોબ્રા, સાપ, ધામણ, ડેંડવા સહિતના સ્નેક કોલ્સ બચાવ ટીમોને મળ્યા હતા. વરસાદની સાથે સાપની પ્રજાતિ નીકળતાં આ વિસ્તારોના લોકોમાં થોડી ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. જો કે, સ્નેક રેસ્કયુ ટીમ દ્વારા આ તમામ સાપની પ્રજાતિને બચાવી લઇ તેને સલામત સ્થળે ખસેડાયા હતા. જો કે, વિવિધ વિસ્તારોમાં સાપ મળી આવવાની ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી. અમદાવાદ શહેર સહિત હવે રાજયભરમાં ચોમાસાની વિધિવત્ શરૂ થઇ ગઇ છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ત્યારે વરસાદી માહોલમાં સાપની કેટલીક પ્રજાતિ પણ બહારના વાતાવરણમાં નીકળી આવી હતી. ખાસ કરીને શહેરના બોપલ, ગોતા અને સાયન્સ સીટી વિસ્તારમાં ઝેરી કોબ્રા સાપ જોવા મળતાં સ્થાનિક લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. સ્થાનિકો તરફથી સ્નેક રેસ્કયુ ટીમને કોલ કરતાં તેના કર્મચારીઓએ આવી સલામત રીતે કોબ્રા સાપને પકડી લઇ તેને લઇ ગયા હતા. જેને પગલે સ્થાનિક રહીશોએ ખાસ કરીને મહિલાઓ અને બાળકોએ રાહતનો દમ લીધો હતો.

આ જ પ્રકારે શહેરના નરોડા વિસ્તારમાં પણ વરસાદી માહોલમાં એક ધામણ અને એક ડેંડવા જાહેરમાં ખુલ્લામાં જોવા મળતાં સ્થાનિક લોકો ગભરાઇ ગયા હતા.  જો કે, તાત્કાલિક રેસ્કયુ ટીમને બોલાવી તેને પણ સલામત રીતે લઇ જવાતાં સ્થાનિકોએ રાહત અનુભવી હતી. આમ, આજે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સાપ દેખાયાની અને પકડાવાની ઘટનાઓ નોંધાવા પામી હતી.

(9:19 pm IST)