Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

સુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ બહાર આવ્‍યું : પી.આઇ. સહિત ૩ સામે છેતરપીંડીની ફરીયાદ

સુરત: બિટકોઈનમાં રોકાણ નામે PI સહિત 6 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

સુરત બિલ્ડર પાસેથી બિટકોઈન મામલે પૈસા પડાવવાના મામલા બાદ વધુ એક બિટકોઈનનો મામલો સુરતમાં સામે આવ્યો છે. મહત્વની વાત એ છે કે આ મામલામાં પણ એક પોલીસ અધિકારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ વખતે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં બિટકોઈનમાં રોકાણ કરાવી આપવાના મામલે 14 કરોડની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલામાં એક પીઆઈ સહિત 6 લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં બિટકોઈનમાં રોકાણ કરાવી આપવાના નામે કામરેજના પીઆઈ લવ ડાભી સહિત 6 લોકો વિરુદ્ધ છેતરપિંડી ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલો સાઈબર ક્રાઈમનો હોવાથી તેની તપાસ ક્રાઈમ બ્રાંચ ચલાવી રહી છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સુરત જીલ્લા પોલીસને પણ આ મુદ્દે જાણ કરી દેવામાં આવી છે. અને 6 લોકની ધરપકડ માટે ચક્રો ગતીમાન કરી દેવામાં આવ્યા છે.

વિગતવાર ઘટના જોઈએ તો, સુરતના એક વિસ્તારમાં પીઆઈ સહિત તેના પાંચ સાગરીત દ્વારા એક ઓફિસ ખોલવામાં આવી હતી, જેમાં લોકોને બિટકોઈન, ક્રિપ્ટો કરન્સી અને એનસીઆરમાં રોકાણ કરી આપવાના મામલે લાલચ આપી પૈસા લેવામાં આવતા હતા, પરંતુ ત્યારબાદ કોઈ રોકાણકારને પૈસા પાછા ન મળતા આખરે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, 14 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે.

પોલીસે હાલમાં ફરિયાદના આધારે આ 6 લોકોને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કરી દીધા છે, હાલમાં કામરેજ પીઆઈ લવ ડાભી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ જ્યારે આ લોકોની ઘરપકડ કરશે ત્યારે ઘણા બધા ભેદ ઉકેલાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આધારિત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફરિયાદમાં 14 કરોડની વાત સામે આવી છે, પરંતુ આ લોકો દ્વારા 30 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સુરતના એક બિલ્ડર પાસેથી 12 કરોડના બિટકોઈન પડાવી લેવાનો મામલો સામે આવ્યો હતો, કેસમાં પણ કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા બિટકોઈન પડાવી લેવાની ઘટના સામે આવી હતી. જેમાં પીઆઈ અનંત પટેલ, એસપી જગદીશ પટેલ સહિત અન્ય પોલીસ કર્મીઓના નામ સામે આવ્યા હતા, આ મામલામાં નેતા નલિન કોટડીયાની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.

(5:38 pm IST)