Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

ગુજરાતમાં ‌અમિત શાહ પછી રૂપાણી સરકારના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા પણ નોટબંધીને લઈને વિવાદમાં

અમદાવાદગુજરાતમાં અમિત શાહ બાદ પાટીદાર કેબીનેટ મંત્રી પણ નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા છે. જેમાં હાલમાં આરટીઆઈમાં બહાર આવેલી વિગતો મુજબ ગુજરાતમાં નોટબંધી દરમ્યાન સૌથી વધુ બંધ કરાયેલી ચલણી નોટો જમા લેવામાં એડીસી બાદ આરડીસી એટલે કે રાજકોટ જીલ્લા સહકારી બેંકનો સમાવેશ થાય છે. જેના ચેરમેન રૂપાણી સરકારના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા છે. આ બેંકે ૬૯૩.૧૯ કરોડ રૂપિયાના બંધ નોટો જમા લીધી હતી. રાજકોટ આમ તો ભાજપના રાજકારણનું કેન્દ્રબિંદુ છે. વડાપ્રધાન મોદી વર્ષ ૨૦૦૧માં રાજકોટમાંથી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા.

અમદાવાદ અને રાજકોટ જીલ્લા સહકારી બેંકો દ્વારા જમા લીધેલી આ રકમ ગુજરાત રાજય સહકારી બેંક લીમીટેડ દ્વારા જમા પ્રાપ્ત રકમના ૧.૧૧ કરોડ રૂપિયાથી પણ વધારે છે. આરટીઆઈ કાર્યકતા મનોરંજન એસ. રોય એ સમાચાર એજન્સીને જણાવ્યું કે પ્રથમ વાર રાજય સહકારી બેંકો અને કેન્દ્રીય સહકારી બેંકોએ નોટબંધી દરમ્યાન જમા કરેલી રકમનો ખુલાસો કર્યો છે.

આરટીઆઈમાં મળેલી જાણકારી મુખ્ય પ્રબંધક અપીલ અધિકારી અને નાબાર્ડના એસ. સર્વાંનવલ દ્વારા આપવામાં આવી હતી.

જો કે અમિત શાહના બચાવમાં તો ગઈકાલથી જ ભાજપનું સોશિયલ મીડિયા કામે લાગી ગયું છે અને કહે છે કે અમિત શાહ સ્વતંત્ર ડીરેક્ટર હતા. તેમને રોજબરોજની કામગીરી સાથે કોઈ લેવાદેવા ન હતી. પરંતુ રૂપાણી કેબીનેટના મંત્રી જયેશ રાદડીયા માટે આ પ્રકારનો બચાવ શક્ય નથી. કારણ કે તે પોતે જ આ બેંકના નોટબંધી વખતથી જ ચેરમેન છે. જેના પગલે આગામી દિવસોમાં તેમની માટે મુશ્કેલી ઉભી થાય તેવી શક્યતા છે. જયેશ રાદડિયા સાંસદ વિઠ્ઠલ રાદડીયાના પુત્ર છે.

(12:34 pm IST)