Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

લાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ

સીઝનના પહેલા વરસાદને પગલે અમદાવાદીઓ ખુશખુશાલ : ભારે વરસાદના પરિણામે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા : પૂર્વમાં સોસાયટીઓ અને દુકાનોમાં પાણી ઘૂસ્યા : વૃક્ષો પણ ધરાશયી થવાના બનાવો

અમદાવાદ,તા.૨૪ : ગઇકાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાના વિધિવત્ આગમન બાદ આજે વહેલી પરોઢથી મેઘરાજાએ અમદાવાદ શહેરમાં ધમાકેદાર પધરામણી કરી હતી. ભારે ગાજવીજ અને વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના લીધે વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયુ હતું. બીજીબાજુ, પહેલા જ વરસાદના ભારે ઝાપટાઓને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વ અને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ્સા પાણી ભરાઇ ગયા હતા. પૂર્વ વિસ્તારની કેટલીક સોસાયટીઓ અને દુકાનો-કોમ્પલેક્ષમાં પાણી ભરાતાં નાગરિકો ભારે હાલાકીમાં મૂકાયા હતા. અમદાવાદમાં પહેલા જ વરસાદે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓના પ્રિ-મોન્સુન એકશન પ્લાનની પોલ ખુલ્લી પડી ગઇ હતી.

   ભારે વરસાદની સાથે સાથે અમદાવાદ શહેરમાં આંબાવાડી, વસ્ત્રાપુર સહિતના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ પણ નોંધાઇ હતી તો, વાસણા ધરણીધર પાસે બીઆરટીએસ બસ સ્લીપ થતાં સીસીટીવી કેમેરાનો એક વિશાળ પોલ ધરાશયી થઇ જતાં સમગ્ર રોડ બ્લોક થઇ ગયો હતો અને ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. હિમાલયા મોલથી વસ્ત્રાપુર સંજીવની હોસ્પિટલ જવાના માર્ગ પર પણ એક વિશાળ વૃક્ષ ધરાશયી થઇ જતાં એક તરફનો માર્ગ બ્લોક થઇ ગયો હતો અને વાહનવ્યવહાર બંધ કરવો પડયો હતો. અમદાવાદ શહેરમાં આજે વહેલી પરોઢે પાંચ વાગ્યાની આસપાસથી જોરદાર ઠંડો પવન ફુંકાવાની સાથે અને વીજળીના જોરદાર કડાકા અને ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. અમદાવાદમાં વહેલી પરોઢે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને લઇ શહેરીજનો ખુશખુશાલ થઇ ગયા હતા અને પહેલા વરસાદના વધામણાં કર્યા હતા. સતત બેથી અઢી કલાક સુધી પડેલા ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરનું સમગ્ર વાતાવરણ એકદમ ઠંડુ અને આહ્લાદક બની ગયું હતું. બીજીબાજુ, ધોધમાર વરસાદના કારણે શહેરના વેજલપુર, જોધપુર, વસ્ત્રાપુર, સેટેલાઇટ, નારણપુરા, નવરંગપુરા, વાસણા, મણિનગર, સીટીએમ, હાટકેશ્વર, મેઘાણીનગર, બાપુનગર, નરોડા, નારોલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના નીચાણવાળા વિસ્તારમાં તો પહેલા જ વરસાદે ભારે હાલાકીભરી પરિસ્થિતિ જોવા મળી હતી. વરસાદી પાણી લોકોના ઘરોમાં, સોસાયટીઓ અને દુકાનોમાં ફરી વળ્યા હતા. જેને પગલે પૂર્વના સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃધ્ધો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. પૂર્વના વિસ્તારમાં પહેલા જ અને આટલા ઓછા વરસાદમાં પણ પાણી ભરાઇ જતાં સ્થાનિક રહીશોએ અમ્યુકો સત્તાવાળાઓ પરત્વે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને સત્તાધીશોના પ્રિ-મોન્સુન એકશન પ્લાનના દાવાની પોલ ખોલી નાંખી હતી. અમદાવાદ શહેરમાં પોણાથી એકાદ ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ મણિનગર વિસ્તારમાં નોંધાયો હતો, તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ બાવળા અને સાણંદમાં નોંધાયો હતો. બાવળામાં દોઢથી બે ઇંચ સુધીનો વરસાદ તો, સાણંદમાં એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જેને લઇ અમદાવાદ જિલ્લાના પંથકોમાં પણ વાતાવરણ ઠંડુ અને આહ્લાદક બની ગયું હતું. અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સારો એવો વરસાદ પડતાં લોકોને આખરે ઉનાળાની ગરમી અને ઉકળાટથી મોટી રાહત મળી હતી. અમદાવાદીઓ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખુશખુશાલ થઇ ગયા હતા.

ઝોનવાઈઝ વરસાદ.....

ઝોન........................................... વરસાદ (મીમીમાં)

પૂર્વ ઝોન................................................... ૩૨.૮૩

પશ્ચિમ ઝોન................................................ ૧૨.૩૮

ન્યુ પશ્ચિમ ઝોન.......................................... ૧૩.૧૭

મધ્ય ઝોન.................................................. ૨૨.૦૦

ઉત્તર ઝોન.................................................... ૫.૦૦

દક્ષિણ ઝોન................................................ ૪૭.૦૦

શહેરનો સરેરાશ વરસાદ................... ૨૨.૦૭ મિ.મી

(9:01 pm IST)