Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોર્ડ દ્વારા ધો.૯-૧૧ ગુજરાતી માધ્‍યમની પ્રયોગપોથીને છાપવાનું ભુલાયું

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ હાલાકીમાં : બોર્ડ દ્વારા સૂચના નથી અપાઇ તેથી પ્રયોગપોથી નહી છાપી હોવાનો બચાવ : પાઠય પુસ્‍તક મંડળની ગંભીર ભુલ સપાટી પર આવી

અમદાવાદ,તા. ૨૩ : તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષ ર૦૧૮-૧૯નું શિક્ષણકાર્ય શરૂ થઈ ચૂકયું છે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોર્ડ દ્વારા આ વર્ષથી એનસીઈઆરટીનો અભ્‍યાસક્રમ ધોરણ-૯થી ૧૨માં લાગુ કરવામાં આવ્‍યો છે, જેમાં એનસીઈઆરટીનાં પુસ્‍તકોને ગુજરાતી ભાષામાં ટ્રાન્‍સલેટ કરવામાં આવ્‍યાં છે, પરંતુ અનુવાદની નકલમાં મોટો છબરડો સામે આવ્‍યો છે. ધોરણ-૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ માટે અતિમહત્ત્વની ગણાતી પ્રયોગપોથીનું ટ્રાન્‍સલેશન જ રહી જતાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં મુકાયા છે. ધોરણ-૯ અને ૧૧ની ગુજરાતી માધ્‍યમની પ્રયોગપોથી છાપવાનું જ રહી જતાં શિક્ષણજગતમાં આ ગંભીર ચૂકને લઇ ભારે ચર્ચા ચાલી છે. ગુજરાત પાઠ્‍યપુસ્‍તક મંડળે શિક્ષણ બોર્ડે આપેલી સૂચના પ્રમાણે ધોરણ-૯માં ગણિત અને ધોરણ-૧૧માં ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનનાં પાઠયપુસ્‍તકોનો અનુવાદ કરીને છાપ્‍યા છે, પરંતુ પ્રયોગપોથી ભૂલાઈ ગઈ છે. અત્‍યાર સુધી ગુજરાત બોર્ડનાં તમામ પુસ્‍તકોમાં છેલ્લે ફન પેજ આપવામાં આવતાં હતાં તેમાં જે તે પુસ્‍તકની વધુ માહિતી, વધુ દાખલા, પઝલ સહિતની અનેક માહિતી આપવામાં આવતી હતી. ખાસ કરીને સાયન્‍સ અને ગણિતના વિષયના ફન પેજમાં પુષ્‍કળ દાખલા આપવામાં આવતા હતા તો પછી હવે કેમ નહી અંતે પણ એક પ્રશ્ન છે. આ અંગે પાઠ્‍યપુસ્‍તક મંડળના ચેરમેન નીતિન પેથાણીએ જણાવ્‍યું હતું કે અમે શિક્ષણ બોર્ડ દ્વારા જે સૂચના મળી તેનું પાલન કર્યું છે. ધોરણ-૯ અને ધો.૧૧નાં પુસ્‍તકો સાથે પ્રયોગપોથી છાપવાની સૂચના મળી ન હતી, સૂચના મળશે તો છાપીશું. જો કે, પાઠયપુસ્‍તક મંડળના આ બચાવ છતાં આવી ચૂકને સહજતાથી લઇ શકાય નહી તેવી પણ શિક્ષણજગતમાં ભારે ચર્ચા ચાલી છે કારણ કે, આવી ગંભીર ચૂકને લઇ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાલાકીમાં મૂકાયા છે. 

(9:02 pm IST)