Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

૨ હજારની નકલી ચલણી નોટો બજારમાં ઘુસાડવાનું ષડયંત્રઃ વિદ્યાર્થીઓને સર્વિસ બોય તરીકે રખાતા

ડુપ્‍લીકેટ નોટથી મોબાઇલ ફોન, ગોલ્‍ડ સહિતની મોંઘી વસ્‍તુની ખરીદી કરી યુવકોને તે વેચવા કમિશનની લાલચ અપાતીઃ અસલી પૈસાથી બીટકોઇનની ખરીદી કરાતી : ૧ લાખની નકલી નોટના બદલે ૧૦ હજાર મળતાઃ આ નોટો પાકિસ્‍તાનમાં છપાયેલી હોવાની શંકાઃ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કર્યો પર્દાફાશ

અમદાવાદ, તા.૨૪: હાલ રાજ્‍યમાં બે હજારની નકલી ચલણી નોટો ફેરવવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં ૪૨ નોટો બેંકમા પહોચી ગઈ અને બેંકના કેશિયરને જાણ પણ ન થઈ હોવાનું ક્રાઇમ બ્રાન્‍ચે જણાવ્‍યું છે. આ સાથે આવી જ કુલ ૯૮ નોટો કબ્‍જે કરી પોરબંદરના યુવકની ધરપકડ કરી છે. જોકે, માસ્‍ટર માઇન્‍ડ હજી ફરાર છે.

આ કેસમાં માનવામાં આવે છે કે, નકલી ચલણી નોટો પાકિસ્‍તાનમાં છપાયેલી છે. આ ચલણી નોટોથી મોબાઇલ ફોન, ગોલ્‍ડ સહિતની મોંઘી વસ્‍તુની ખરીદી યુવકોને સારા કમિશનની લાલચ આપીને આ કૌભાંડ ચલાવવામાં આવતું હતુ. આ વસ્‍તુઓને વેચીને અસલી પૈસા લઇને તેનાથી જ બીટકોઇનની ખરીદી કરવામાં આવતી હતી.

આ કૌભાંડમાં અન્‍ય એક ચોંકાવનારી બાબત એ છે કે, ઓનલાઇન એપ્‍લિકેશનથી વિદ્યાર્થીઓને સર્વિસ બોય તરીકે રાખીને નકલી ચલણી નોટો કુરિયર અથવા ઓનલાઇન પોર્ટર દ્વારા મોકલવામાં આવતી હતી. આ આખું ષડયંત્ર ફોન પર જ ચાલતું હતુ. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ હજી આ કૌભાંડના મુખ્‍ય સૂત્રધારને શોધી રહી છે.

અમદાવાદ ક્રાઇમબ્રાંચની કસ્‍ટડીમાં રહેલા આરોપીનું નામ દિલીપ કેશવાલા છે. જે એન્‍જીનીયરીંગનો વિદ્યાર્થી છે. દિલીપ પાસેથી ૨૦૦૦ના દરની ૫૬ બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. તે અગાઉ તેણે ૪૨ બનાવટી નોટોની મદદથી મોબાઇલ ફોન અને સોનું ખરીદ્યા હોવાનુ સામે આવ્‍યુ છે.

જે ૪૨ નોટો બેંકમાંથી ક્રાઇમ બ્રાન્‍ચે કબ્‍જે કરી છે. એટલે કે, કુલ ૧.૯૬ લાખની બનાવટી નોટો અલગ અલગ જગ્‍યાએથી કબ્‍જે કરી છે. પોલીસ તપાસમા સામે આવ્‍યુ કે, આ તમામ નોટો હાઈ ક્‍વોલિટીની છે. મોટા ભાગનાં સિકયુરિટી ફિચર્સ પણ છે. જેને લઈ આ નોટોનું પાકિસ્‍તાન કનેક્‍શન હોવાની શંકા વ્‍યક્‍ત કરવામા આવી છે.

૨૦૦૦ની નકલી નોટો બજારમાં ફરતી કરવા માટે સૂત્રધારે ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડર કંપની ઉભી કરી હતી. જેમાં તે કોલેજમાં અભ્‍યાસ કરતા યુવકોને નોકરીમાં રાખીને ફસાવતો હતો. ઓનલાઇન પોર્ટર કે કુરિયરની નોટો મોકલી બજારમાં ફરતી કરતા હતા.

આ કૌભાંડમાં બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપીએ ડમી સીમકાર્ડની મદદથી ઓનલાઈન સર્વિસના બહાને સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવવામા આવતું હતુ. તે ગ્રુપમાં રહેલા સભ્‍યોને પાર્સલમાં બનાવટી નોટો મોકલવામાં આવતી. તે નોટોના આધારે મોંઘા મોબાઇલ અને સોનું ખરીદવામાં આવતુ હતુ. બાદમાં સસ્‍તી કિંમતે આ વસ્‍તુ વેચી દઈ અસલી નોટો આંગડિયા પેઢીમાં અને ત્‍યાંથી બિટકોઈનના સ્‍વરૂપમાં વોલેટમાં મોકલવામાં આવતા હતા.

આ નાંણાં કયાંથી કયાં જતા હતા તે અંગેની ઉંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. જોકે ઝડપાયેલ આરોપી દીલિપે પૂછપરછમાં આપેલી માહિતીને આધારે ૧ લાખ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપીને ૧૦ હજાર રૂપિયા મળતા હતા.

(3:13 pm IST)