Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

લોકડાઉનમાં છૂટછાટને પગલે ખેત ઉત્પાદનના વેચાણને વેગ: રાજ્યભરના માર્કેટયાર્ડમાં ૬૭ લાખ ક્વિન્ટલ અનાજ-ખાદ્ય ઉત્પાદનો વેચાણ માટે આવ્યું

ઘઉં ૧૯.૩૭ લાખ ક્વિન્ટલ - કપાસ ૩.૫૩ લાખ ક્વિન્ટલ - એરંડા ૧૪.૬૬ લાખ: ઘઉં-તુવેર તથા ગુજકોમાસોલ દ્વારા રાયડો-ચણાની ખરીદી શરૂ થઈ

અમદાવાદ :મુખ્યમંત્રી ખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન-૪માં કેટલીક શરતો અને નિયમોને આધીન આપેલી વ્યાપક છુટ્ટછાટોને પરિણામે જનજીવન ઝડપભેર થાળે પડી રહ્યું છે. રાજ્યના માર્કેટયાર્ડ પણ ખેત ઉત્પાદન વેચાણ પ્રવૃત્તિઓથી ધમધમતા થયા છે

 મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતા કહ્યું કે, રાજ્યના ધરતીપુત્રોની ખેતપેદાશોને લોકડાઉનના કારણે વેચાણમાં વિપરીત અસર ન પડે તે હેતુથી મુખ્યમંત્રીએ રાજ્યના માર્કેટયાર્ડ તા. ૧૫ એપ્રિલથી કાર્યરત કરવાની અનુમતિ આપી હતી.તેમણે ઉમેર્યું કે તબક્કાવાર માર્કેટયાર્ડ શરૂ થતાં રાજ્યના ખેડૂતોને પોતાની ઉપજના વેચાણના પોષણક્ષમ ભાવ આ માર્કેટ યાર્ડમાં ખેત ઉત્પાદન વેચાણથી મળતા થયા છે.
મુખ્યમંત્રીના સચિવે રાજ્યભરના માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવેલ અનાજની વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર રાજ્યના માર્કેટયાર્ડમાં તા.૨૩મી મે સુધીમાં કુલ ૬૬ લાખ ૪૯ હજાર ૨૫૪ ક્વિન્ટલ અનાજ ખેડૂતો વેચાણ માટે લાવ્યા છે
આ અનાજમાં ૧૯,૩૭,૧૬૧ ક્વિન્ટલ ઘઉં ૧૪,૬૬,૪૯૨ ક્વિન્ટલ એરંડા, ૩,૫૩,૧૮૨ ક્વિન્ટલ કપાસ તેમજ ૧,૮૩,૭૯૪ ક્વિન્ટલ તમાકુ અને ૨,૮૫,૧૯૭ ક્વિન્ટલ ચણા મુખ્યત્વે ખેત ઉત્પાદનોનો સમાવેશ થાય છે
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ માર્કેટયાર્ડમાં ખરીદી અને વેચાણની પ્રક્રિયા દરમિયાન કોરોના સંક્રમણ નિયંત્રણ સુરક્ષા માટે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનીટાઈઝરનો ઉપયોગ તેમજ માર્કેટયાર્ડમાં થર્મલ ગનથી સ્ક્રિનિંગની પણ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રીના સચિવે રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને તુવેર તેમજ રાયડો અને ચણાની ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને ગુજકોમાસોલ દ્વારા શરૂ કરવામાં આવી છે તેની પણ વિગતો આપી હતી.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ૨૩,૪૩૭ મેટ્રિક ટન ઘઉં તેમજ ૧૧,૫૮૩ મેટ્રીક ટન તુવેરની ખરીદી અત્યાર સુધીમાં કરવામાં આવેલી છે.ગુજકોમાસોલ પણ રાજ્ય સરકાર વતી ચણા અને રાયડાની ખરીદી કરે છે તે અંતર્ગત ૭૩,૫૭૪ ચણા અને ૧૨,૨૧૩ મેટ્રિક ટન રાયડો ખરીદ થયો છે.
મુખ્યમંત્રીના સચિવએ કહ્યું કે, લોકડાઉનને કારણે ખેડૂતોના ખેત ઉત્પાદન વેચાણ પ્રવૃત્તિને જે વિપરીત અસર પડી હતી તેમાંથી હવે આ લોકડાઉન-૪માં અપાયેલી વ્યાપક છૂટછાટોને પરિણામે રાહત થતા ધરતીપુત્રોને પણ પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ સાથોસાથ આર્થિક આધાર પણ મળતો થયો છે.

(6:26 pm IST)