Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

રાજ્યમાં ચાલતી મંજુરી વિનાની બસ ડિટેઇન કરી પગલા લેવાશે

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે માહિતી આપી : લોકડાઉન-૪માં સક્ષમ સત્તાધિકારીની મંજુરી સિવાયની ખાનગી બસોને પરિવહન કરવાની છુટ નથી : અશ્વિનીકુમાર

અમદાવાદ,તા.૨૪ : લૉકડાઉન-૪માં નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિયમોને આધિન વિવિધ છૂટછાટો આપવામાં આવી છે. જેમાં ખાનગીબસોને પરિવહન કરવાની છૂટનો સમાવેશ થતો નથીએટલે કે ખાનગી બસોને પરિવહન માટે મંજૂરી આપવામાં આવી નથી.

સક્ષમ સત્તાધિકારીની મંજૂરી સિવાય ફરતી ખાનગી બસોને ડિટેઈન કરીને તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. લૉકડાઉન-૪ માં મળેલી છૂટછાટ અનુસાર ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજયમાં તા.૨૦મી મેથી સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે રાજ્યના પાંચ ઝોનમાં સવારના ૮ થી સાંજના ૬ કલાક સુધી નાગરિકોને પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં કોઈ પણ બસ કન્ટેન્ટમેન્ટ વિસ્તારના રૂટમાંથી પસાર કરવામાં આવતી નથી. એસ.ટી બસો ઉપરાંત જેને મંજૂરી નથી તેવી ખાનગી બસો પણ પરિવહન કરતી હોવાની વિગતો મળતાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખાનગી બસોના પરિવહન પર કાર્યવાહી કરવા અંગેની સૂચનાઓ જારી કરવામાં આવી છે તેમ જણાવી સચિવ એ ઉમેર્યું કે, લૉકડાઉન-૪ માં ખાનગી બસોને પરિવહનની મંજૂરી ન હોવા છતાં મુસાફરોની હેરફેર માટે ખાનગી બસો રોડ પર ફરતી જોવા મળશે તો તે બસોને ડિટેઈન કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

(10:02 pm IST)