Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

સુરત : ટ્યુશન ક્લાસીસમાં પ્રચંડ આગથી ૧૯થી વધુના થયેલા મોત

આગથી બચવા માટે ૩૦થી વધુ બાળકોએ છલાંગ લગાવી :મૃતકોના પરિવારને ચાર ચાર લાખ આપવાની ગુજરાત સરકારની જાહેરાત ફાયરબ્રિગેડ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી

અમદાવાદ,તા. ૨૪ :     સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના મોત થયા હતા. ટ્યુશન ક્લાસીસમાં રહેલા બાળકો આગથી બચવા માટે ચોથા માળેથી કુદી ગયા હતા. જેના કારણે તેમના મોત થયા હતા. આ ઉપરાંત આગમાં પણ કેટલાક બાળકોના મોત થઈ ગયા હતા. ૧૯ બાળકોના મોતથી ભારે હાહાકાર મચી ગયો હતો. ગુજરાત સરકાર પર આગની આ ઘટનાથી હચમચી ઉઠી હતી. તરત જ સહાયતાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે સાથે તપાસના આદેશ પણ કરવામાં આવ્યો હતો. તાજેતરના ઈતિહાસની આગની આ ઘટનાને સૌથી મોટી ઘટના જોવામાં આવે છે. દરમિયાન સુરતમાં આગની દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રાજય સરકાર દ્વારા ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સમગ્ર ઘટના અંગે દુઃખની લાગણી વ્યકત કરી હતી અને સમગ્ર ઘટનામાં તપાસના આદેશો આપ્યા હતા. સરકાર અને તંત્ર દ્વારા મોડેમોડેથી આ ઘટનામાં જવાબદારો અને કસૂરવારો વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરવાની હૈયાધારણ ઉચ્ચારવામાં આવી હતી. જો કે, વાલીઓમાં અને સુરતવાસીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી તો જોવા મળતી જ હતી. સરકારની સહાય કે પગલા લેવાથી જે માતા-પિતાના સંતાનો મૃત્યુ પામ્યા છે તે પાછા નહી આવે તેવો આક્રોશ લોકોએ ઠાલવ્યો હતો. રાજયપાલ ઓ.પી.કોહલીએ પણ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું હતું. બનાવની વિગત એવી છે કે,સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા કોમ્પલેક્ષના ૪થા માળે આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે જબરદસ્ત ભાગદોડ, નાસભાગ અને ચીસાચીસ મચી ગઇ હતી. આ ગંભીર દુર્ઘટનામાં ૧૯ થી વધુ લોકોના મોત નીપજયા હતા. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયરબ્રિગેડના કાફલાને સફળતા મળી હતી. ચોથા માળે ટયુશન કલાસીસ પણ ચાલતા હોવાથી કેટલાક બાળકો પણ તેમાં ફસાયા હતા. જેમાં આગથી ગભરાઇ ગયેલા ત્રીસેક બાળકોએ તો છલાંગ લગાવી કૂદવાનું જોખમ લીધુ હતુ, તેના કારણે કેટલાક ઇજાગ્રસ્ત પણ થયા હતા.  ફાયરબ્રિગેડની ૧૭થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી રાહત અને બચાવનું સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું. જો કે, બાળકોની હાલત અને મોતની ઘટના સાંભળી વાલીઓ અને ટોળે વળેલા લોકોમાં ભારે અરેરાટી અને આઘાતની લાગણી પ્રસરી ગઇ હતી.  એકસાથે આગમાં ફસાયેલા ત્રીસથી બાળકો છલાંગ લગાવી કૂદી રહ્યા હોવાની રાજયની સૌપ્રથમ અરેરાટીભરી અને હૃદયના ધબકારા થંભાવી દે તેવી આ ઘટના હતી.        સુરતના સરથાણા જકાતનાકા પાસે તક્ષશિલા કોમ્પલેક્ષમાં લાગેલી આગના પગલે સિટી બસના સ્ટોપ પણ ચેન્જ કરી દેવામાં આવ્યાં હતા. આગના ધૂમાડા દૂર દૂર દેખાતા લોકોમાં ભયની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરત ફાયરબ્રિગેડ દ્વારા આગની ગંભીરતા જોતાં મેજર બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો અને તેના આધારે આગ બુઝાવવાની કામગીરી અને ફસાયેલા લોકોને બચાવવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગ ફાટી નીકળી ત્યારે ૪૦થી વધુ બાળકો ત્યાં હતા, જેમાંથી ત્રીસેક બાળકોએ પોતાનો જીવ બચાવવા છલાંગ લગાવીને કૂદી પડયા હતા. આગની જવાળાઓમાં દાઝેલા અને કેટલાક ઇજા પામેલા બાળકો સહિતના લોકોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ સમગ્ર પ્રકરણમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, આગની ઘટનાની જાણ કર્યા છતાં ફાયરબ્રિગેડના જવાનો અડધોકલાક પછી મોડા આવ્યા હોવાની વાત સામે આવતાં સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ અને આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. આ પ્રકારની આગની ઘટનાઓ અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં સામે આવી રહી છે ત્યારે હવે સંબંધિત સત્તાવાળાઓએ યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ તેવી પણ લોકોમાં ઉગ્ર માંગણી ઉઠવા પામી હતી. આગની આ સમગ્ર ઘટનામાં સુરત ફાયરબ્રિગેડ અને સુરત મ્યુનિ.કોર્પોરેશન સત્તાવાળાઓની ગંભીર બેદરકારી અને અણઆવડત સામે આવતાં ત્રીસેક બાળકોને બીજા માળેથી છલાંગ લગાવવાનુ ંગંભીર જોખમ લેવું પડયું હતું, તેને લઇ કેટલાય બાળકો ઘાયલ થયા હતા. સત્તાવાળાઓની આ ગંભીર બેદરકારીને લઇ સુરતવાસીઓએ ઉગ્ર આક્રોશ સાથે ફિટકાર વરસાવ્યો હતો. બિલ્ડીંગમાં ફાયરસેફ્ટીની સુવિધાના અભાવ સહિતની ગંભીર નિષ્કાળજીઓ પણ સામે આવી હતી. વિનાશકારી આગની આ દુર્ઘટના, ત્રીસ બાળકોની બચવા માટે છલાંગ અને ૧૯થી વધુના મોતને લઇ સમગ્ર રાજયભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને લોકોએ તંત્ર અને જવાબદાર લોકો સામે આકરામાં આકરા પગલા લેવા ઉગ્ર માંગણી કરી હતી.

(8:22 pm IST)
  • ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની પુત્રીને ઇન્ટગ્રામ પર અજાણ્યા ફોલોઅર્સ રેપની ધમકી : અનુરાગ કશ્યપે વડાપ્રધાન મોદીને ટ્વીટ કરી માંગી મદદ access_time 2:21 pm IST

  • નરેન્દ્રભાઇના ઐતિહાસિક વિજય અંગે વિવિધ અખબારોએ આજે શું લખ્યું છે ? access_time 11:33 am IST

  • અમદાવાદના દાણીલીમડાના બેરલ માર્કેટ પાસે ગરમ ઓઇલ પડતાં કામદારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત : પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી access_time 2:11 pm IST