Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

કાલે અમીત ચાવડા પ્રભારીને ધબડકો શા માટે થયો તે અંગેનો રીપોર્ટ સુપ્રત કરશે

રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી જનરલ સેક્રેટરીઓ સાથે કરશે વિચારવિમર્શ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્ય પ્રભારીને સુપ્રત થયેલ રિપોર્ટ સાતવ મીટીંગમાં મુકશે

રાજકોટ, તા. ૨૪ :. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે કારમી હાર સહન કરવી પડી છે ત્યારે આવતીકાલે સાંજે દિલ્હીમાં કોંગ્રેસની વર્કીંગ કમીટીની બેઠક રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીના અધ્યક્ષ સ્થાને મળશે. આ બેઠકમાં તમામ જનરલ સેક્રેટરીઓ પાસેથી તેમની પાસે રહેલા રાજ્યોની કામગીરી તથા ચૂંટણી રીપોર્ટ ઉપર વિચાર-વિમર્શ થશે. ગુજરાતના પ્રભારી પ્રદેશ કોંગ્રેસ દ્વારા સુપ્રત થયેલ રીપોર્ટ બેઠકમાં રજુ કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતમાં કયાં ચુક થઈ તે અંગે તપાસ કરીને હાઈકમાન્ડને રીપોર્ટ સુપ્રત કરાશે તેમ જણાવ્યુ હતુ તે મુજબ આજે અથવા આવતીકાલે સવારે પ્રદેશ કોંગ્રેસ એક વિસ્તૃત રીપોર્ટ રાજ્ય પ્રભારી રાજીવ સાતવને સુપ્રત કરશે તેમ પ્રદેશ કોંગ્રેસના સૂત્રોમાંથી જાણવા મળે છે.

પ્રદેશ સૂત્રોના જણાવ્યા મુજબ હાલના બેઠક માટે પ્રદેશ પ્રમુખ કે વિપક્ષી નેતાને હાઈકમાન્ડે બોલાવ્યાની કોઈ વાત જાણવા મળી નથી, પરંતુ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પરિણામોની વિગતો તથા રીપોર્ટ રાજ્ય પ્રભારીને સુપ્રત કરાશે જે રીપોર્ટ રાજીવ સાતવજી આવતીકાલે મળનારી વર્કીંગ કમીટીની બેઠકમાં રજુ કરશે.

ગુજરાત પ્રદેશ સહિત દેશભરમાં કોંગ્રેસ પક્ષે પ્રચાર કે ચૂંટણી લડતમાં કયાં ચુક કરી તે અંગે આવતીકાલની બેઠકમા ચર્ચા થશે.

દરમ્યાન ગુજરાત પ્રદેશમાં કોંગ્રેસના ધબડકા અંગેની નૈતિક જવાબદારી કોણ લેશે ? અથવા તો નૈતિકતાના ધોરણે કોણ-કોણ  રાજીનામા ફગાવશે ? તે અંગે ચર્ચાએ જોર પકડયુ છે.

(3:58 pm IST)