Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

મધ્ય ગુજરાતની તમામ બેઠકો ઉપર જીત : પંજાને મસળી દીધો

મધ્ય ગુજરાતમાં પણ ભાજપનો દબદબો યથાવત્ : વડોદરામાં મોદી માસ્કની સાથે બાળકોએ કરેલી ઉજવણી ભાજપના કાર્યકરો ઉજવણી માટે રસ્તા પર ઉતરી આવ્યા

અમદાવાદ, તા.૨૩ : મધ્ય ગુજરાતની સાત બેઠકો પર આજે સવારે ૮ વાગ્યાથી જ મતગણતરી શરૂ થઇ ગઇ હતી. મધ્ય ગુજરાતની તમામ સાત બેઠક પર મતગણતરી દરમ્યાન  ભાજપ જ આગળ ચાલી રહ્યું હતું. આણંદ બેઠક પર ભાજપના મિતેશ પટેલની સામે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી પાછળ ચાલી રહ્યા છે. વડોદરા અને છોટાઉદેપુર બેઠક પર ભાજપની મહિલા ઉમેદવારો ૩-૩ લાખથી વધુ મતથી લીડ મેળવી હતી અને સાંજ સુધીમાં તેમની જીત નિશ્ચિત થઇ ગઇ હતી. જ્યારે ભરૂચ, ખેડા અને આણંદ બેઠક પર ભાજપ ૧-૧ લાખથી વધુની સરસાઇથી આગળ રહ્યું હતું. આ ત્રણેય બેઠક પર પણ ભાજપની જીત નિશ્ચિત મનાઇ રહી હતી, તે મુજબ, ભાજપનો ભગવો લહેરાયો હતો. મધ્ય ગુજરાતની વડોદરા બેઠક પર રંજનબહેન ભટ્ટ, આણંદ મીતેશ પટેલ, પંચમહાલ રતનસિંહ રાઠોડ, ભરૂચ બેઠક પર મનસુખ વસાવા, છોટા ઉદેપુર બેઠક પર ગીતાબહેન રાઠવા, ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણ અને દાહોદ પર જશવંતસિંહ ભાભોર એમ તમામ ભાજપના ઉમેદવારો વિજયી બન્યા હતા. પરિણામોનો ટ્રેન્ડ જોતાં એક તબક્કે વડોદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે હાર સ્વીકારી લીધી હતી અને મતદાન મથક છોડીને કાર્યકરો સાથે બહાર નીકળી ગયા હતા. જ્યારે વડોદરામાં ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટની જીત નિશ્ચિત બનતા મત ગણતરી કેન્દ્રની બહાર ભાજપાના સમર્થકો દ્વારા ભારે આતશબાજી કરી હતી અનેે એક બાર મોદી સરકારના નારા, ઢોલ-નગારા સાથે ભાજપા સમર્થકોમાં ઉત્સાહ અને ખુશી છવાઇ ગયા હતા. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ મતગણતરી કેન્દ્ર છોડીને કાર્યકરો સાથે નીકળી ગયા હતા.

મધ્ય ગુજરાતમાં ચિત્ર

અમદાવાદ, તા. ૨૩ : મધ્ય ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના તમામ પરિણામ જાહેર થઇ ચુક્યા છે. ગુજરાતનું ચિત્ર નીચે મુજબ રહ્યું હતું.

ગુજરાતમાં કુલ સીટ........................................ ૦૭

પરિણામ જાહેર................................................ ૦૭

ભાજપને સીટો મળી......................................... ૦૭

કોંગ્રેસને સીટો મળી.......................................... ૦૦

(8:26 pm IST)