Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ઇચ્છિત શરતો લાગુ કરી વીમા કંપની દાવાને નકારી શકે નહી

ગ્રાહક ફોરમનો ગ્રાહકની તરફેણમાં ચુકાદોઃ ગ્રાહકોને પોતાના ન્યાય અને હક્કની લડત માટે મહત્તમ કેસો તેમજ ફરિયાદો ગ્રાહક કોર્ટોમાં દાખલ કરવી જરૃરી

અમદાવાદ,તા. ૨૪, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની વીમાકંપનીઓ વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ આચરી, ઉપજાવી કાઢેલા કારણો અને ટર્મ્સ એન્ડ કન્ડીશનનુ મનસ્વી અને અયોગ્ય અર્થઘટન કરી, પોલીસીધારક ગ્રાહકોના મેડીક્લેમ પોલીસી અન્વયે સંપુર્ણ યોગ્ય દાવા નકારે છે અથવા સમઈન્સ્યોર્ડની લીમીટમાં દાવાની રકમ હોવા છતા અધુરી અને અપુરતી રકમ ચુકવી, ગ્રાહકને આર્થિક નુકસાની આપી, સેવામાં ખામી રાખી અનફેર ટ્રેડ પ્રેક્ટિસ આચરી રહી છે ત્યારે આવા ગ્રાહકો ગ્રાહક તકરાર નિવારણ ફોરમોમાં કેસ દાખલ કરી ન્યાય મેળવી શકે છે. ગ્રાહકોની ઉદાસીનતા અને અજાગૃતતાના કારણે વીમાકંપનીઓને ફાવતુ મળે છે આ સંજોગોમાં ગ્રાહકોને પોતાના ન્યાય અને અધિકારની લડત માટે મહત્તમ કેસો અને ફરિયાદો ગ્રાહક કોર્ટોમાં દાખલ કરવા ગ્રાહક અને સુરક્ષા પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ખાસ અનુરોધ કર્યો છે. ગ્રાહકને ન્યાય અપાવતાં આવા જ એક ચુકાદામાં અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમે પોતાના જજમેન્ટમાં મહત્વની નોંધ કરી હતી  કે, વીમાકંપની રીજનેબલ એન્ડ કસ્ટમરી ચાર્જી, તરીકેની રકમ મંજુર કરે છે. ત્યારે આવા કોઈ નક્કી કરેલ ચાર્જીસ ફરીયાદીને આપવામાં આવેલ નથી. કયા રોગ અંગે કેટલી રકમ રીઝનેબલ એન્ડ કસ્ટમરી ગણવી તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવેલ નથી કે ફરીયાદીની સંમતિ લેવામાં આવેલ નથી. તે સંજોગોમાં મનસ્વી રીતે ટર્મ્સ એન્ડ કન્ડીશન લાગુ કરીને ફરીયાદીનો ક્લેઇમ કપાત કરી શકે નહી. વીમાકંપનીએ મનસ્વી રીતે રીઝનેબલ અને કસ્ટમરી ચાર્જીસ કરીને રકમ કપાત ગણેલ છે. ફરીયાદીને સખ્ત માનસિક ત્રાસ અને આઘાત પહોચાડેલ છે, સેવામાં ખામી રાખેલ છે. અનફેર ટ્રેડ પ્રેક્ટિસ આચરેલ હોવાનુ સાબિત થાય છે.  ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે કેટલાક જાગૃત ગ્રાહકોના કિસ્સામાં ગ્રાહક કોર્ટમાંથી ન્યાય મળ્યો હોય તેવા ઉદાહરણો ટાંકતા જણાવ્યું હતું કે,  શહેરના પ્રહલાદનગર વિસ્તારના સિનિયર સિટિઝન મહીલા દર્દી શ્રીમતી પુર્ણિમાબેન એસ. શાહ વર્ષોથી ધી ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કં. ની ૨૦ વર્ષોથી મેડીક્લેમ પોલીસી નિયમિત રીન્યુ કરતા હતા. સમઈન્સ્યોર્ડ રૃા. ૪,૦૦,૦૦૦ નો હતો. ડાબી આંખના મોતિયાના ઓપરેશનમાં હોસ્પિટલનો ટોટલ ખર્ચ રૃા. ૭૫,૧૬૭ થયો હતો. વીમાકંપનીએ ક્લેમ સેટલમેન્ટ લેટર મોકલી બારોબાર રૃા. ૩૧,૨૪૩ ની રકમ ફરીયાદીના બેંકખાતામાં જમા કરાવ્યો હતો, જેથી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ (અખિલ ભારતીય) તરફથી તેમણે ઈન્સ્યોર્ડ દર્દીનો અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસ દાખલ કરી દલીલો કરી હતી. જેમાં ગ્રાહક ફોરમે ફરીયાદ મંજુર કરી ઇન્શ્યોર્ડ દર્દીને નહી ચુકવાયેલ બાકીની રકમ રૃા. ૪૩,૬૩૯ ફરીયાદ કર્યા તારીખથી વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે તેમજ ખર્ચના રૃા. ૪૫૦૦ આપવા હુકમ કર્યો હતો.  સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં જણાવ્યું કે, આ જ પ્રકારે સિનિયર સિટિઝન મહીલા શ્રીમતી માલવિકા મૈત્રેય ડાબા પગના થાપા પર બે ઓપરેશનના કેસમાં હોસ્પિટલનો તમામ ખર્ચો રૃા. ૨,૬૩,૨૪૯ વાર્ષિક  ટકાના વ્યાજ સાથે તેમજ ખર્ચના રૃા. ૮,૦૦૦ અલગથી ચુકવવા વીમાકંપનીને હુકમ કરી ગ્રાહક કોર્ટે ન્યાય અપાવ્યો હતો. આ જ પ્રકારે આંબાવાડી વિસ્તારમાં ચાની લારી ચલાવતા શ્રી સોમાભાઈ ખટાણા (રબારી) નામના કેન્સર પીડિત દર્દીના કેસમાં ગ્રાહક કોર્ટે વીમાની રકમ અને માનસિક ત્રાસ, આઘાત અને લીગલ કોસ્ટ સહીત ટોટલ રૃા. ૧,૨૫,૦૦૦ ચુકવી અપાવતા કેન્સર પીડીત દર્દીના પુત્રને ન્યાય મળ્યો હતો. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ભારપૂર્વક ઉમર્યું હતું કે, ગ્રાહક ફોરમોમાં વીમા કંપનીઓ વિરૃધ્ધ આ પ્રકારની હજારો ફરીયાદો ચાલી રહી છે ત્યારે અજાગૃત અને ઉદાસીન ઇન્સ્યોર્ડ દર્દીઓ આર્થિક અને શારીરીક રીતેખુવાર થાય છે પરંતુ તેમણે એજાગૃતતા કેળવવાની જરૃર છે કેગ્રાહક ફોરમોમાં કેસ દાખલ કર્યાપછી જ ન્યાય મળે છે. સમાજમાં આ જાગૃતિ આજે જરૃરી બની છે.

(10:21 pm IST)