Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ગુજરાતની પાંચ કંપનીઓની મૂડી ૧૦,૦૦૦ કરોડથી નીચે

શેરબજારમાં ભારે ઉથલપાથલના લીધે મૂડી ઘટીઃ અરવિંદ, સિમ્ફની, જીએસપીએલ સહિતની કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો નોંધાઈ ગયો : અહેવાલમાં ધડાકો

અમદાવાદ, તા. ૨૪, ગુજરાતની પાંચ કંપનીઓની માર્કેટ મૂડી છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં ૧૦૦૦૦ કરોડથી નીચે પહોંચી ગઈ છે. શેરબજારમાં હાલમાં ભારે ઉથલપાથલનો દોર જારી રહેતા આ કંપનીઓના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે કંપનીઓની માર્કેટ મૂડી ૧૦૦૦૦ કરોડથી નીચે પહોંચી ગઈ છે તેમાં સિમ્ફની લિમિટેડ, અરવિંદ લિમિટેડ, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ, અદાણી પાવર અને એલેમ્બીક ફાર્માનો સમાવેશ થાય છે. બુધવારના દિવસે સિમ્ફની અને અરવિંદ બંનેની માર્કેટ મૂડી ઘટીને ૧૦૦૦૦ કરોડથી નીચે પહોંચી ગઈ હતી. સિમ્ફનીની શેર કિંમતમાં માત્ર બે દિવસના ગાળામાં ૧૪ ટકાનો ઘટાડો થયો હતો. તેની શેર કિંમત ૧૬૩૫.૧૫થી ઘટીને ૧૪૧૦.૬૫ થઇ ગઇ હતી. ફેબ્રુઆરી ૨૩ના દિવસે તેની માર્કેટ મૂડી ૧૧૮૬૩ કરોડ હતી પરંતુ હવે તે ૧૦૦૦૦ કરોડથી નીચે પહોંચી ગઈ છે. આવી જ રીતે ટેક્સટાઇલથી લઇને એપરલ સુધીની મહાકાય કંપની અરવિંદની માર્કેટ મૂડીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. તેની માર્કેટ મૂડી ૯૮૮૩ કરોડથી ઘટીને ૧૦૫૯૨ કરોડ થઇ ગઇ છે. આ કંપનીઓના શેર કિંમતમાં છેલ્લા ત્રણ મહિના ગાળામાં ૭થી ૩૭ ટકા વચ્ચેનો ઘટાડો થઇ ચુક્યો છે. બીએસઇ સેંસેક્સ આ ગાળા દરમિયાન ફ્લેટ રહ્યો છે. માર્કેટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, શેરબજારમાં ઉથલપાથલના પરિણામ સ્વરુપે માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. રૃપિયા સામે ડોલરની મજબૂત સ્થિતિ, વિદેશી રોકાણકારો દ્વારા રોકડ, ડેરિવેટિવ અને ડેબ્ટ સેગ્મેન્ટમાંથી જંગી નાણા પાછા ખેંચી લેવાની બાબત જેવા પરિબળોની અસર જોવા મળી છે. વ્યક્તિગતરીતે સિમ્ફનીના શેરમાં ઘટાડો થયો છે.

ચોથા ત્રિમાસિક ગાળામાં રેવેન્યુ અને પ્રોફિટમાં ઘટાડો થયા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. એલેમ્બિક ફાર્માના શેરમાં મે મહિનાની શરૃઆત બાદથી ૨૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. અન્ય કંપનીઓના શેરમાં પણ ઉથલપાથલ થઇ છે. અદાણી પાવરના શેરની કિંમતમાં પણ નિરાશાજનક સ્થિતિ રહી છે. ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા નિરાશાજનક રહ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. બીએસઈમાં શેર કિંમતોના આધાર પરકંપનીઓની માર્કેટ મૂડી ઘટી ગઈ છે. એક અગ્રણી અંગ્રેજી અખબારે આ અંગેના અહેવાલ પ્રકાશિત કર્યા બાદ આ અંગેની ચર્ચા કોર્પોરેટ જગતમાં પણ જોવા મળી રહી છે.

(10:21 pm IST)