Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

વડોદરામાં આકરી ગમરીના કારણે બેના મોત

વડોદરા:શહેરમાં બુધવારે ૪૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. પાછલા દિવસોની સરખામણીમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે પરંતુ છેલ્લા ૧૦ દિવસથી તાપમાનનો પારો ૪૨ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહેતો હોવાથી શહેર ભઠ્ઠીમાં ફેરવાઇ ગયું છે. આકરીગરમીના આ માહોલમાં હૃદયરોગને લગતી સમસ્યાઓ અને હાર્ટ એટેકના બનાવોમાં પણ વધારો થયો છે. આજે એક યુવાન અને એક પોલીસ જવાન મળીને બે જણના મોત થયા હતાં.

વડોદરા ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા અને પ્રતાપનગર પોલીસ લાઇનમાં રહેતા ગોવિંદ ઉર્ફે ગોરધનભાઇ વેસ્તાભાઇ વણકર (ઉ.૫૬) સાંજે તેમના ઘરમાં હતા ત્યારે તેઓ અચાનક બેભાન થઇને ઢળી પડયા હતા. પરિવારજનો તેમને હોસ્પિટલ લાવ્યા હતા પરંતુ તેમનું મોત થઇ ચુક્યું હતું. 

જ્યારે બીજા બનાવમાં વડોદરા નજીક આલમગઢ ખાતે આવેલી સ્નાઇડર કંપનીમાં એક અધિકારીને લઇને આવેલ ખાનગી ટ્રાવેલ્સ કંપનીના કાર ડ્રાઇવર રાજેશ પ્રેમચંદ સોલંકી (ઉ.૪૨. રહે. એકતા નગર, છાણી જકાતનાકા) કાર પાર્ક કરીને આરામ કરી રહ્યો હતો આ દરમિયાન તેને છાતીમાં ગભરામણ થતાં તે કારની બહાર આવ્યો હતો અને તે સાથે જ ઢળી પડયો હતો. તેનું પણ હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત થયુ હતું.

(6:02 pm IST)