Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

આંકલાવના ઉમલાવમાં ખેતરની વાડમાં વીજ કરંટથી મહિલાનું કમકમાટી ભર્યું મોત

આંકલાવ: તાલુકાના ઉમલાવ ગામે ૧૩ દિવસ પહેલા ખેતરની વાડે ઉતારેલા વીજ કરંટના કારણે એક મહિલાનું મોત થતાં ખેતર માલિક વિરૂધ્ધ ભાદરણ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમલાવ ગામે રહેતા સોમાભાઈ દેવજીભાઈ પરમારની ઘરની બાજુમાં વજેસિંહ ફુલસીંગ પરમારનું ખેતર આવેલું છે. તેઓએ જાટકા મશીનથી કોઈપણ જાતની સૂચના કે બોર્ડ માર્યા વગર પોતાના મકાનના બોર્ડમાંથી વીજ વાયર પોતાના ખેતરમાં લીઘો હતો અને ગીલોડીની વાડીની ફરતે લાકડાના થાંભલા રોપ્યા હતા તેના પર તાર મારીને વીજ કરંટ ઉતારવામાં આવ્યો હતો. દરમ્યાન ગત ૧૦મી તારીખના રોજ સાંજના પોણા સાતેક વાગ્યાના સુમારે સોમાભાઈનો પુત્ર વીરેન (ઉ. વ. ૫)રમતો રમતો તારને અડી જતાં તેને કરંટ લાગ્યો હતો જેથી સોમાભાઈની બા ગંગાબેન દેવજીભાઈ પરમાર (ઉ. વ. ૬૫)ત્યાં દોડી ગયા હતા અને પૌત્રને છોડાવ્યો હતો. પરંતુ તેમણે તાર પકડી લેતાં જોરદાર વીજ કરંટ લાગ્યો હતો જેથી તેમને સારવાર માટે દવાખાને લઈ જતાં ત્યાં તેમનું અવસાન થયું હતુ. આ અંગે પોલીસે ખેતર માલિક વજેસિંહ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
 

(6:00 pm IST)